ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી પહેલા અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી છે. આ કોમેન્ટ્રી પેનલમાં વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેનલમાં વિ શાસ્ત્રી, દિનેશ કાર્તિક, નાસિર હુસૈન, સ્ટુઅર્ટ બ્રોડ અને નવજોત સિંહ સિદ્ધુ જેવા દિગ્ગજોના નામ પણ છે.
ભારતીય ટીમ પર ક્રિકેટ રસિકોની નજર
આ વખતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ખુબજ રસપ્રદ થવાની છે. બંને ટીમના ખેલાડીઓ ખૂબજ સારા ફોર્મમાં નજરે પડી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમના ખેલાડીઓ વિશ્વ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. ખાસ કરીને ભારતીય ટીમ પર તમામ ક્રિકેટ રસિકોની નજર રહી છે, કારણકે રોહિત અને વિરાટની ગેર હાજરીમાં આ વખતે ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરશે તે બાબત પર હાલ તમામ ક્રિકેટ રસિકોની નજર રહેલી છે.
કોમેન્ટ્રી પેનલની થઈ જાહેરાત
20 જૂનથી શરૂ થઈ રહેલી India vs England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત થતાંની સાથેજ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ હવે બમણો થઈ ગયો છે. હિન્દી કોમેન્ટ્રી પેનલની વાત કરીએ તો, નવજોત સિંહ સિદ્ધુ, અનિલ કુંબલે, સંજય માંજરેકર, પાર્થિવ પટેલ, સંજય બાંગર, વરુણ એરોન, દીપ દાસગુપ્તા, અનંત ત્યાગી અને પદમજીત સેહરાવતનો સમાવેશ કરવામાં આવે છે. અંગ્રેજી કોમેન્ટ્રી પેનલની વાત કરીએ તો, રવિ શાસ્ત્રી, દિનેશ કાર્તિક, નાસિર હુસૈન, માઈકલ એથર્ટન, સ્ટુઅર્ટ બ્રોડ, નવજોત સિંહ સિદ્ધુ, અનિલ કુંબલે, સંજય માંજરેકર અને અભિનવ મુકુંદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેચને રસપ્રદ બનાવશે દિગ્ગજોનો અવાજ
ભારતીય ટીમ પાંચ મેચોની શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. આ શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાશે. બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. જ્યારે ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સમાં રમાશે. શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. તે જ સમયે, શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. આ તમામ મેચને રસપ્રદ બનાવવા માટે કોમેન્ટ્રી પેનલ ખુબજ મોટો ભાગ ભજવી શકે છે.