12 જૂને અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભરી હતી અને પ્લેન ટેક ઓફ થયાના 2 મિનિટની અંદર જ ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયું તે સમયે પ્લેનમાં 242 લોકો સવાર હતા અને તેમાંથી માત્ર 1 જ વ્યક્તિનો જીવ બચ્યો છે, બાકીના તમામ મુસાફરોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજના 4 MBBS વિદ્યાર્થીઓ અને 1 ડોક્ટરનું પણ મોત થયું હતું.
પરિવારજનને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી
ત્યારે હવે આ દુર્ઘટના બાદ યુએઈમાં રહેતા મૂળ ભારતીય ડોક્ટર શમશીર વયાલિલે દરિયાદીલી બતાવતા એર ઈન્ડિયા દુર્ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને 1-1 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. તેમને ઘાયલ થયેલા લોકોને પણ મદદ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેમને 2010માં મેંગલુરૂમાં વિમાન દુર્ઘટના બાદ પ્રભાવિત પરિવારોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી.
4 મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 1-1 કરોડ રૂપિયા અપાશે
તમને જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ડો.શમશીર વાયલિલ સ્તબ્ધ થઈ ગયા અને તેમને આબૂ ધાબીમાં પીડિત વિદ્યાર્થીઓને મદદ કરવાની જાહેરાત કરી છે. તેમને જાહેરાત કરી છે તે મુજબ રાહત પેકેજમાં 4 મૃતક વિદ્યાર્થીઓના પરિવાર માટે 1-1 કરોડ રૂપિયા અને 5 ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ માટે 20-20 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.