એશિયાના તમામ શેરબજારોમાંથી ભારતીય શેરબજારમાં સૌથી વધારે 10.6 અબજનો આઉટફ્લો, 2.8 અબજ ડોલરના ઇનફ્લો સાથે એક માત્ર જાપાનના ઇક્વિટી બજારમાં પોઝિટિવ ફ્લો જોવા મળ્યો,
એશિયાના બજારમાં સૌથી વધારે 20.63 ટકાનું વળતર સાઉથ કોરિયાના શેરબજારે આપ્યું.
એશિયાના જે શેરબજારોમાંથી એફપીઆઇ દ્રારા 2025માં અત્યાર સુધીમાં જે રોકાણ પરત ખેંચવામાં આવ્યું તેમાં ભારત 10.6 અબજ ડોલરના આઉટફ્લો સાથે પ્રથમ ક્રમે આવે છે. 10.6 અબજ ડોલરનો આ આઉટફ્લો એશિયાના બજારોનો સૌથી મોટો આઉટફ્લો છે. 10.4 અબજ ડોલરના આઉટફ્લો સાથે આ યાદીમાં તાઇવાન બીજા ક્રમે 7.8 અબજ ડોલરના આઉટફ્લો સાથે સાઉથ કોરિયા ત્રીજા ક્રમે આવે છે. એશિયાના દેશોમાં જાપાન એક માત્ર એવો દેશ છે કે જેના ઇક્વિટી બજારમાં 2025માં અત્યાર સુધીમાં એફપીઆઇએ નેટ ઇનફ્લો નોંધાવ્યો છે, જેનો આંકડો 2.8 અબજ ડોલર થાય છે. ભારતીય શેરબજારમાંથી એફપીઆઇ દ્રારા આ પ્રકારે સૌથી વધારે આઉટફ્લો નોંધાવવામાં આવ્યો તેમ છતાં મુખ્ય સુચકાંકોએ સમીક્ષા હેઠળના સમયગાળામાં 4.54 ટકાનું વળતર આપ્યું છે, જે વળતર આપવાની દ્રષ્ટિએ એશિયાના તમામ શેરબજારો બીજા ક્રમે આવે છે. આ સમયગાળામાં સૌથી વધારે 20.63 ટકાનું વળતર સાઉથ કોરિયાના શેરબજારે આપ્યું છે. ભારતીય શેરબજારો એફપીઆઇના આઉટફ્લોની ઝીંક ઝાલીને પોઝિટિવ વળતર આપવામાં સફળ રહ્યા તેના માટે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને તેમાંય ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડો દ્રારા સતત જંગી લેવાલી કરવામાં આવી તે બાબત જવાબદાર છે. રિટેલ ઇન્વેસ્ટર્સ એસઆઇપી અને અન્ય સ્કીમો દ્રારા સતત ફંડોમાં રોકાણ કરી રહ્યા હોવાથી આ ફંડો લેવાલી કરી રહ્યા છે.