કેન્દ્ર સરકારે 30મી મેના રોજ ખાદ્યતેલની આયાત પરની ડયુટીમાં 10 ટકાનો ઘટાડો કર્યો તેમ છતાં હજી રિટેલ ભાવ ઘટયા નથી તેનું કારણ એ છે કે ખાદ્યતેલ ઉત્પાદકોએ અગાઉ ઊંચી ડયુટી ભરીને જે તેલ આયાત કર્યું છે, તેનું વેચાણ ન થઇ જાય ત્યાં સુધી આ કંપનીઓ રિટેલ ભાવમાં ઘટાડો કરવા માંગતી નથી. હવે જો કેન્દ્રએ આ નિર્ણય લીધાને 15 દિવસ જેટલો સમય વીતી ગયો છે ત્યારે સ્થાનિક ખાદ્યતેલ ઉત્પાદકોએ આ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે ડીલર્સના ભાવ અને એમઆરપીમાં ઘટાડો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, તેમ છતાં રિટેલ વેચાણ નીચા ભાવે શરૂ થાય તેમાં હજી કેટલાક સપ્તાહનો સમય લાગશે એમ જણાવતાં નિષ્ણાતો જણાવે છે કે આગામી સમયમાં આ ભાવમાં 5થી 7 ટકાનો ઘટાડો થશે એ ચોક્કસ છે.
ધારા બ્રાન્ડના સોયાબિન તેલનું વેચાણ કરતી મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લિટર રૂ.10નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે સનફ્લાવર ઓઇલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5નો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે સનફ્લાવરની એમઆરપીમાં કોઇ ઘટાડો નહીં કરાય કારણ કે અગાઉ જ્યારે ભાવમાં વધારો થયો ત્યારે આ એમઆરપીમાં વધારો કરવામાં આવ્યો ન હતો એમ આ પ્રવક્તાએ ઉમેર્યું હતું. તમામ ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારે 30મી મેના રોજ ખાદ્યતેલની આયાત ડયુટીમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો તેને પગલે ખાદ્યતેલના ભાવમાં આગામી સમયગાળામાં 5થી 7 ટકાનો ઘટાડો જોવા મળશે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ખાદ્યતેલની આયાત ડયુટીમાં આશરે 22 ટકાનો વધારો કરવામાં આવ્યો તે પછી આ તેલના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો હતો. આથી હવે આ ડયુટીમાં જ્યારે સરકારે ઘટાડો કર્યો છે તેના કારણે રિટેલ ભાવમાં પણ ઘટાડો થશે.
તાજેતરમાં કેન્દ્ર સરકારના ખાદ્ય વિભાગે દેશની ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં કંપનીના પ્રતિનિધીઓએ જણાવ્યું હતું કે આયાત ડયુટીમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ટુંક સમયમાં જ રિટેલ ભાવ ઘટશે. હાલમાં ડયુટીમાં ઘટાડાને અનુસરીને ડિલર્સ માટેના ભાવ અને એમઆરપીમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. વિભાગે પ્રત્યેક ખાદ્યતેલ ઉત્પાદકોને તેમની રિટેલ ભાવ એટલે કે એમઆરપીની વિગતો પ્રત્યેક સપ્તાહે વિભાગને મોકલવાની સુચના આપી છે. ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં તાત્કાલિકપણે આનો લાભ ગ્રાહકોને આપવામાં આવતો નથી એનું મુખ્ય કારણ એ છે કે ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓ પાસે હાલમાં ઊંચા દરે આયાત કરેલા તેલનો જે જથ્થો ઉપલબ્ધ છે, તે વેચાય ન જાય ત્યાં સુધી રિટેલ ભાવમાં ઘટાડો નહીં કરવાની નીતિ આ ઉત્પાકો અપનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રતિ વર્ષ 25 મિલિયન ટન ખાદ્ય તેલનો વપરાશ થાય છે, જે પૈકીની 57 ટકા જરૂરિયાત પામ, સોયાબિન અને સનફ્લાવર ઓઇલની આયાત કરીને સંતોષવામાં આવે છે.
ભારતના ખાદ્યતેલના કારોબાર પર એક નજર
ભારત તેની 25 મિલિયન ટનની ખાદ્ય તેલની જરૂરિયાતમાં 57 ટકા જરૂરિયાત પામ, સોયાબિન અને સનફ્લાવર તેલની આયાતથી પૂરી કરે છે,
2023-24 દરમિયાન દેશમાં કુલ 15.96 મિલિયન ટન ખાદ્યતેલની આયાત થઇ હતી, જેનું મૂલ્ય રૂ. 1.32 લાખ કરોડ હતું,
સરકારે 30મી મેના રોજ ખાદ્યતેલની આયાત પરની ડયુટી 10 ટકા ઘટાડીને 16.5 ટકા કરી છે,
ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામ ઓઇલની અને આર્જેન્ટિના, રશિયા, બ્રાઝિલ અને યુક્રેનમાંથી સનફ્લાવર તથા સોયાબિન તેલની આયાત કરે છે.