મે મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને 21.88 અબજ ડોલર થઇ છે જેનો આંકડો એપ્રિલ મહિનમાં 26.42 અબજ ડોલરની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મે મહિનાની ખાધનો આ આંકડો પાછલા વર્ષે મે મહિનાના 22.09 અબજ ડોલરની ખાધના આંકડા કરતાં પણ નીચો છે. મે મહિનામાં મર્ચેન્ડાઇઝની નિકાસ 2.2 ટકા ઘટીને 38.73 અબજ ડોલર થઇ છે, જ્યારે આયાતનો આંકડો 1.76 ટકા ઘટીને 60.61 અબજ ડોલર થયો છે.
યુએસ પ્રેસિડેન્ટ .ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલી રેસિપ્રોકલ ટેરિફમાં ભલે 9 જુલાઇ સુધીની રાહત આપવામાં આવી હોય તેમ છતાં વૈશ્વિક વેપાર હજી અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયોલા છે. આવા સંજોગોમાં પણ ભારતની વેપાર ખાધ ઘટી છે એ એક સારો સંકેત છે. મે મહિનામાં જે ક્ષેત્રોએ નિકાસમાં સારો દેખાવ કર્યો છે તેમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, કેમિકલ્સ, ફાર્મા, રેડિમેડ ગાર્મેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ આંકડાની જાહેરાત કરતી વખતે કેન્દ્રિય વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક આયાતમાં જેમનો 75 ટકા હિસ્સો છે એવા છ ક્ષેત્ર પર ભારત ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ જ રાખશે.
દરમિયાન મે મહિનામાં સર્વિસ ક્ષેત્રના વેપારના આંકડા પર નજર કરીએ તો આ ક્ષેત્રની નિકાસ વધીને 32.29 અબજ ડોલર થઇ છે, જ્યારે આયાત પણ વધીને 17.14 અબજ ડોલર થઇ છે. આમ સર્વિસ ક્ષેત્રે વેપારમાં 14.65 અબજ ડોલરની સરપ્લસ જોવા મળી છે. એપ્રિલથી મેના સમયગાળામાં ભારતની નિકાસ વધીને 77.19 અબજ ડોલર થઇ છે, જ્યારે આયાત વધીને 125.52 અબજ ડોલર થઇ છે.