શુક્રવારે 7 ટકાના ઉછાળા પછી ક્રૂડ 0.79 ટકા ઘટી 75 ડોલરથી નીચે
ઇક્વિટી બજારમાં તેજી, ડોલરમાં નરમાશ અને ક્રૂડના ભાવમાં ઘટાડાતરફી ચાલને પગલે સોમવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસા વધીને 86.03ની સપાટીએ બંધ રહ્યો હતો. દેશનો જથ્થાબંધ ફુગાવાનો દર પણ 14 મહિનાની નીચી સપાટીએ આવતા રૂપિયાને બળ મળ્યું હતું. દરમિયાન ઇઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઇરાન પર હુમલો કર્યો તે પછી ક્રૂડના ભાવમાં પ્રારંભે 11 ટકા ઉછાળો જોવા મળ્યો અને 13 જુનના રોજ બ્રેન્ટ ક્રૂડ 7 ટકા જેટલું વધીને બંધ રહ્યું તે પછી આજે ક્રૂડમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી અને ગ્લોબલ બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ 0.79 ટકા ઘટીને પ્રતિ બેરલ 73.64 ડોલરની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
શુક્રવારે 86.09ની બે મહિનાની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યા પછી ભારતીય રૂપિયો આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં 7 પૈસા ઘટીને 86.16ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 85.94ની હાઇ અને 86.24ની લો સપાટી બનાવ્યા પછી સેશનના અંતે 6 પૈસા મજબૂત થઇને 86.03ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન ડોલર-રૂપિયો ફોરવર્ડ પ્રિમિયમ પણ 5 બેસિસ પોઇન્ટ ઘટીને 1.83 ટકા થયું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રૂપિયો 49 પૈસા ઘટીને 86.09ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ડોલરમાં પણ નરમાશ જોવા મળી હતી અને વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.20 ટકા ઘટીને 97.98ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો.