વેચાણની ગતિ હજી ધીમી જ હોવાથી આગામી સમયમાં સ્ટોકનો ભરાવો વધે એવી શક્યતા.
છેલ્લા એક વર્ષથી માંગમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં કાર ઉત્પાદક કંપનીઓએ ડિલર્સને કારનો સપ્લાય કરવાનું ચાલું જ રાખતાં ભારતભરમાં આવેલા કાર ડીલર્સ પાસે ઉપલબ્ધ વેચાણ માટેની કારનું મૂલ્ય રૂ. 52,000 કરોડના વિક્રમજનક સ્તરે પહોંચી ગયું છે. મે મહિનામાં કાર ડીલર્સ પાસે જે 34 થી 38 દિવસનો જથ્થો ઉપલબ્ધ છે તેની સંખ્યા 4,40,000 પર પહોંચી હતી, જે ગયા વર્ષે દિવાળી પહેલા થયેલા 40 થી 45 દિવસના સ્ટોકના ભરાવાની ટોચ કરતા ઓછી છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ જોઇએ તો આ સ્ટોકનું મૂલ્ય વિક્રમજનક સ્તરે પહોંચ્યું છે, જેના માટે કારના મૂલ્યમાં થયેલો વધારો જવાબદાર છે એમ વાહનઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિવર્સ એસોસિયેશન્સ (ફાડા)ના પદાધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં જે ગતિએ વેચાણ થઇ રહ્યું છે તેને જોતા હજી પણ સ્ટોકના આ ભરાવામાં વધારો થાય એવી શક્યતા છે અને આ સ્ટોક 52થી 55 દિવસના જથ્થા સુધી પહોંચી જાય એવી સંભાવના છે. સ્ટોકના આટલા જંગી ભરાવાના કારણે ડિલર્સની વર્કિંગ કેપિટલની જરૂરિયાતમાં તંગી ઊભી થાય છે. આ ઉપરાંત ડિલરોને કરવામાં આવતા ડિસ્પેચ અને રિટેલ વેચાણ વચ્ચેનો તફાવત દિવસે ને દિવસે વધતો જાય છે.