રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્દમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. તેમ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ વધુ ભયંકર બન્યું છે. આજે પાંચમાં દિવસે પણ બંને દેશો વચ્ચે મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ છે. 13 જૂનના રોજ ઇઝરાયેલ દ્વારા ઇરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર વિસ્ફોટક હુમલા કરવામાં આવ્યા. ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા જતા મોટું નુકસાન થયું. જેના બાદ ઇરાને પણ વળતો જવાબ આપતા સેંકડો મિસાઇલો અને ડ્રોન છોડી ઇઝરાયલ પર હુમલા કર્યા.
ટ્રમ્પ બાદ ચીને નાગરિકોને આપી ચેતવણી
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ અત્યારે વધુ ભયંકર બન્યું છે. બંને દેશો મિસાઇલો અને ડ્રોન હુમલા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના નાગરિકોને તેહરાન ખાલી કરવાની ચેતવણી આપતા આ યુદ્ધ આગામી સમયમાં વધુ ભયંકર બને તેવી આશંકા સેવાઈ રહી છે. અને હવે ટ્રમ્પ બાદ ચીન દ્વારા પણ પોતાના નાગરિકોને તાત્કાલિક ઇઝરાયેલ છોડવાની ચેતવણી આપતા ઇરાન- ઇઝરાયલ યુદ્ધમાં કંઈક મોટું અને ભયાનક થવાના સંકેત દેખાય છે.
ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે ઈરાને મેં આપેલા કરાર પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા. ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. મેં વારંવાર કહ્યું છે! દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન ખાલી કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે એમ કહ્યું કે તેઓ G7 સમિટ અધવચ્ચે જ છોડીને વોશિંગ્ટન પાછા ફરી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદનથી તેહરાનમાં ગભરાટ ફેલાયો છે.
ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધ વધુ ભયંકર બનશે
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને હવે ચીનના પોતાના નાગરિકોને વહેલી તકે ઇઝરાયેલ દેશ છોડવાની ચેતવણી આપવાના નિવેદનથી એવી અટકળો વધી ગઈ છે કે આ યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે. ઇરાન અને ઇઝરાયલના યુદ્ધમાં અમેરિકા અને ચીન પણ પોતાના હાથ શેકી શકે છે. ત્યારે બીજી બાજુ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એક પોસ્ટમાં લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે તો આ યુદ્ધ રોકી શકે છે. ઇઝરાયલ વડા પ્રધાન નેતન્યાહૂના આકરા તેવરને શાંત કરવા વોશિંગ્ટનનો માત્ર એક ફોન કોલ પૂરતો છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે તે આગામી સમય જ કહેશે. જો અમેરિકા અને ચીન આ યુદ્ધમાં કૂદશે તો સ્થિતિ વધુ ગંભીર બનશે.