શુક્રવારે ક્રૂડના ભાવમાં જોવા મળેલા નોંધપાત્ર ઊછાળા પછી આજે આ ભાવમાં ઘટાડા તરફી ચાલ જોવા મળતાં વૈશ્વિક બજારોમાં તેજી પાછળ ભારતીય શેરબજારો પણ વધીને બંધ રહ્યા હતા. આઇટી અને બેકિંગ શેરોની આગેવાનીમાં વ્યાપક તેજી જોવા મળતા સતત બે સેશનથી ચાલતી મંદી પર બ્રેક વાગી હતી અને નિફ્ટી પરના તમામ મુખ્ય સેકટોરલ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે તણાવ ચાલુ રહ્યો છતાં તેની ચિંતાનો ફગાવી દઇને બજાર રિબાઉન્ડ થયું હતું, મુખ્ય સુચકાંકો આશરે 1 ટકા જેટલા વધીને બંધ રહ્યા હતા.
પ્રારંભે 84 પોઇન્ટ નીચમાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,865ની હાઇ અને 81,012ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 853 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 677 પોઇન્ટ એટલે કે 0.84 ટકા વધીને 81,796ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી જોકે પ્રારંભે 14 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,967ની હાઇ અને 24,703ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 264 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 227 પોઇન્ટ એટલે કે 0.92 ટકા વધીને 24,946ની ઉપર બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 423 પોઇન્ટ એટલે કે 0.93 ટકા વધીને 46,105ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 203 પોઇન્ટ એટલે કે 0.38 ટકા વધીને 53,573ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 972 પોઇન્ટ એટલે કે 0.94 ટકા વધીને 1,03,997ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,253 શેર પૈકી 1,976 શેર વધીને, 2,108 ઘટીને અને 169 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 450.52 લાખ કરોડ એટલે કે 5.24 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 447.21 લાખ કરોડથી રૂ. 3.31 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 27 શેરો જ્યારે નિફ્ટીના 50 પૈકી 45 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ 2.39 ટકા, ટેક મહિન્દ્રા 2.12 ટકા, એચસીએલ ટેક 1.66 ટકા, ટીસીએસ 1.40 ટકા અને ઇન્ફોસીસ 1.39 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ટાટા મોટર્સમાં 3.55 ટકાનો, અદાણી પોર્ટ્સમાં 0.35 ટકાનો અને સન ફાર્મામાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી બીઇએલમાં 2.49 ટકાનો, એચડીએફસી લાઇફમાં 2.34 ટકાનો અને એસબીઆઇ લાઇફમાં 2.27 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ડો રેડ્ડીઝ 0.92 ટકા ઘટીને બંધ રહ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 1.60 ટકા ઘટીને 14.84 થયો હતો. નિફ્ટી પરના તમામ મુખ્ય 14 સેકટોરલ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા.
FFI ની રૂ. 2,287 કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇએ આજે એનએસઇ પર રૂ. 2,287 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 5,607 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે જુન મહિનમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 7,099 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇની લેવાલીનો આંકડો રૂ. 49,757 કરોડ થાય છે.
નિફ્ટી પરના સેકટોરલ ઇન્ડેક્સમાં વધારો
ઇન્ડેક્સનો વધારો ટકામાં :– આઇટી : 1.57 , રિઆલ્ટી: 1.32, ઓઇલ એન્ડ ગેસ: 1.11, મેટલ: 1.07, પ્રાઇવેટ બેંક: 0.86, ફાયનાન્સિયલ સર્વિસીસ: 0.83, બેંક: 0.75, કન્ઝયુમર ડયુરેબલ્સ: 0.67, એફએમસીજી: 0.63, મિડિયા: 0.57, હેલ્થકેર: 0.47, પીએસયુ બેંક: 0.26, ફાર્મા: 0.25, ઓટો: 0.18.
આઇટી શેરોમાં તેજી, નિફ્ટી આઇટી 1.57ટકા વધ્યો
આજે આઇટી શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સના તમામ 10 ઘટક શેરો વધીને બંધ રહ્યા હતા અને આ 10 પૈકી 9 શેરોમાં 1 ટકાથી વધુ વધારો નોંધાયો હતો, જેને પગલે આ ઇન્ડેક્સ 1.57 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં આ ઇન્ડેક્સે આશરે 2 ટકા વધીને 39,258ની ઇન્ટ્રા ડે હાઇ બનાવી હતી. દેશની આઇટી કંપનીઓ મોટા ભાગે યુએસમાંથી પોતાની આવકનો મોટો હિસ્સો મેળવે છે અને યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડશે એના કારણે આ આઇટી કંપનીઓની આવકમાં વધારો થશે એવી આશાએ આઇટી શેરોમાં આ તેજી જોવા મળે છે. આજના વધારા સાથે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ છેલ્લા નવ સેશનમાંથી 8 સેશનમાં વધારા સાથે બંધ રહ્યો છે અને આ નવ સેશનમાં ઇન્ડેક્સની ઘટક કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ રૂ.1.16 લાખ કરોડનો વધારો થયો છે.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સના ઘટક શેરોમાં કેટલો વધારો
કંપનીનો વધારો ટકામાં :- એમ્ફેસિસ: 2.30, પર્સિસ્ટન્ટ: 2.25, ઓએફએસએસ: 2.08, ટેક મહિન્દ્રા: 2.07, કોફોર્જ: 1.92, એચસીએલ ટેક: 1.57, ટીસીએસ: 1.47, ઇન્ફોસિસ: 1.25, વિપ્રો: 1.0, એટીઆઇ માઇન્ડટ્રિ: 0.46
ક્રૂડના ભાવ 74 ડોલરથી નીચે જતાં ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરોમાં તેજી
શુક્રવારે ઇન્ટ્રા ડેમાં 11 ટકાના અને દિવસને અંતે 7 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા પછી આજે ક્રૂડના ભાવમાં ઘટાડાતરફી ચાલ જોવા મળી હતી અને ગ્લોબલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 74 ડોલરથી નીચે ગયું હતું. જેને પગલે દેશની સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરના ભાવમાં તેજી જોવા મળી હતી. એચપીસીએલ ઇન્ટ્રા ડેમાં 3 ટકા, બીપીસીએલ 2.7 ટકા અને આઇઓસી 2 ટકા જેટલો વધ્યો હતો. આના પગલે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ પણ 1.11ટકા વધીને બંધ રહ્યો હતો. અગાઉ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા અને ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળતા ઓએમસી શેરો સતત બે દિવસ ઘટીને બંધ રહ્યા હતા.