ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ પર સમગ્ર દુનિયાની નજર છે, આ સંકટની વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલા ભર્યા છે. ભારતે ઓપરેશન સિંધુ શરૂ કરી દીધું છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાનો છે. વિદેશ મંત્રાલય મુજબ આ ઓપરેશનના પ્રથમ સ્ટેજમાં 17 જૂને 110 ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ભારત સરકારે ઈરાન અને આર્મીનિયાની સરકારનો આભાર વ્યક્ત કર્યો
ભારતીય દુતાવાસની નજરમાં આ વિદ્યાર્થીઓ આર્મીનિયાની રાજધાની યેરેવન પહોંચ્યા, ત્યારબાદ 18 જૂને બપોરે 2.55 વાગ્યે એક સ્પેશિયલ પ્લેનથી યેરેવનથી નવી દિલ્હી માટે રવાના થયા, જે 19 જૂનની સવારે ભારત પહોંચશે.ભારત સરકારે આ સફળ મિશન માટે ઈરાન અને આર્મીનિયાની સરકારોનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત સરકાર વિદેશમાં રહેતા પોતાના નાગરિકોની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપે છે અને દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન કરે છે કે તમામ ભારતીય સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત પહોંચે.
ભારતીય દુતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો
તેહરાનમાં ભારતીય દૂતાવાસ સતત ભારતીય નાગરિકોની મદદ કરી રહ્યું છે. દૂતાવાસ તણાવભર્યા વિસ્તારથી લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જઈ રહ્યું છે અને ઝડપી આ તમામ લોકોને ભારત મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે. તેના માટે દૂતાવાસે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સાથે જ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે 24/7 કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. જે ભારતીયોની મદદ માટે દિવસ-રાત કામ કરી રહ્યો છે. ઈરાનમાં રહેતા ભારતીયોને અપીલ કરવામાં આવી છે કે તે કોઈ પણ ઈમરજન્સીમાં દૂતાવાસની હેલ્પલાઈન અથવા નવી દિલ્હીના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરે.