મારું એક સૂત્ર છે, દહેશતથી કંઈ નથી થતું. મહેનતથી કંઈક કંઈક થાય છે. રહેમતથી બધું થાય છે. એટલા માટે શરણાગતિના માર્ગને પકડીને પલાંઠીવાળીને બેસી ગયા છીએ. શું કરીશું?
આપણી ઓકાત શું છે? એક જગ્યાએ બેસી જવું. કરશો તો કર્તવ્ય આવશે. સફળતા મળશે તો અહંતા આવશો. પછી મેં કર્યું, મેં કર્યું થશે! તો પછી મમતા આવશે. કોઈ વસ્તુ શું, સૂત્રોમાં પણ સ્પર્ધા ચાલી રહી છે! કેટલાક લોકો કહે છે, અમારા ગુરુએ કહ્યું છે કે, `ભજન કરો, ભોજન કરાવો.’ અલ્યા, તારા ગુરુએ ક્યારે કીધું? ચાલીસ-પિસ્તાલીસ પહેલાં આ સૂત્ર મેં એક નોટબુકમાં લખીને આપ્યું હતું. એની કોપી પણ મને બતાવવામાં આવી હતી, પરંતુ બધા લખી રહ્યા છે! ચોરી ચાલી રહી છે! સૂત્ર તો બધાના છે, પરંતુ ઉધાર નામ કમાવું એ આધ્યાત્મિક સ્ખલન છે. થોડી ભૂલ થઈ જાય તો પણ કરો. રહેમતને વરસવાનો મોકો તો આપો. આપણે મોકો જ નથી આપતા! રહેમત ઈચ્છે છે કે કોઈ થોડી ધીરજ ધરે તો હું એને નવડાવી દઉં. રહેમત તરસે છે અને રહેમત બિચારી ચૂપચાપ ઊભી રહે છે કે મારી કેટલી ઈચ્છા હતી કે હું તને કરુણાથી નવડાવી દઉં, પરંતુ તેં મોકો જ ન આપ્યો! સદાચાર, સદાચાર કરતો રહ્યો! તારી કોઈ ખામીઓ હોય તો એ તું મારી પાસે લઈને આવ બેટા, તને રહેમતનો અનુભવ કરાવી દઉં. તુલસી અંતે આવા શબ્દો કહે છે, `મતિમંદ તુલસીદાસ…’ આપણે ખામીઓથી ભરેલાં છીએ છતાં આપણે દાવો કરીએ છીએ કે આપણે
બરાબર છીએ!
હમારે હરિ અવગુણ ચિત્ત ના ધરો
આ સુરનું પદ છે, પરંતુ સુરને પણ આટલાં વર્ષો થઈ ગયાં છે! થોડું સંશોધન જરૂરી છે. આંખો ઉઘાડો. હવે તો આમ જ કહેવું જોઈએ કે,
હમારે હરિ અવગુણ ચિત્ત મેં ધરો
તને પીડા થશે કે મારા આશ્રિતમાં આટલી ખામીઓ છે તો તું એ ધોયા વિના નહીં રહી શકે અને આપણે તો પહેલેથી જ `ચિત્ત ન ધરો, ચિત્ત ન ધરો!’ જ કહ્યું! બીજું સૂત્ર સારું છે. એ ક્યારેય ન બદલાય એવું સૂત્ર છે.
સમરદશી હૈ નામ તિહારો
ચાહે તો પાર કરો
તું સમદર્શી છે. થોડો પક્ષપાતી થઈ જા દાતા! અમારે ઔષધની બહુ જરૂર છે. તારું સમદર્શીપણું જ્ઞાનમાં રાખ. અમે તો કહી દઈશું કે `ચાહે તો પાર કરો.’ લોકો કહે છે કે અમારામાં આ ખામી છે! એક ભાઈનો પ્રશ્ર છે કે, `બાપું, હું રોજ સત્ય બોલું છું, પરંતુ કાલે ભોજનની લાઈનમાં થોડું અસત્ય બોલી નાખ્યું! આપની કથા સાંભળી-સાંભળીને મેં સત્યને આદર્શ બનાવ્યો છે. ભોજનને કારણે હું થોડું ખોટું બોલ્યો.’ સત્ય આદર્શ નથી ત્યાં મૂળમાં ભૂલ કરી રહ્યા છો. સત્ય આદર્શ નથી, સત્ય યથાર્થ છે. આદર્શ તો ઉપરથી થોપવામાં આવે છે. સત્ય કાયમ છે. કાળ અબાધિત છે. આપણે નહોતા ત્યારે પણ હતું; આપણે છીએ ત્યારે પણ છે; આપણે નહીં હોઈએ ત્યારે પણ હશે. સત્યને આદર્શ ન બનાવો. એ આદર્શ નથી, જીવનનું યથાર્થ છે. સત્ય આદર્શ નથી. પ્રેમ આદર્શ નથી. કરુણા આદર્શ નથી. આદર્શ તો બદલતા રહે છે. નીતિ-નિયમો બદલતા રહે છે. ઘણી વાતો આમ-તેમ થતી રહે છે. સત્ય નથી બદલતું. જોકે, આપણી પાસે કોઈ ઉપાય નથી એટલે કહેવું પડે છે કે સૂરજ જેવું સત્ય. આપણે એ પણ જાણીએ છીએ કે સૂરજ જેવું સત્ય ભલે કહીએ, પરંતુ સત્ય સૂરજ જેવું નથી, કેમ કે સૂરજ પણ કાલાંતરે બદલી જશે. વિજ્ઞાન કહે છે કે સૂરજ પણ બુઝાઈ જશે. સત્ય રહેશે. આપણે ભૂલ ન કરીએ પરંતુ થઈ જાય; માણસ છીએ. જાણ્યે-અજાણ્યે ભૂલ થઈ ગઈ તો રહેતમને મોકો આપો.
સત્ય તણખલું છે. સત્યને કારણે છ વસ્તુને તણખલાની માફક છોડવી પડશે, પરંતુ પ્રેમ કરશો તો છ વસ્તુ ફૂલની માફક પરમનાં ચરણોમાં સમર્પિત કરવી પડશે.
તનુ તિય તનય ધામુ ધનુ ધરની,
સત્યસંઘ કહું તૃન સમ બરની.
સત્ય માટે તન, તિય (સ્ત્રી) તનય (પુત્ર), ધામ (સ્થાન પ્રત્યેનો લગાવ), ધન (સંપદા) અને ધરતી તણખલાની માફક છોડવી પડશે. પ્રેમ જીવનનો યથાર્થ બને છે, આદર્શ નહીં. પ્રેમને તણખલાની માફક કંઈ તોડવાનો નથી હોતો. પ્રેમ બહુ નાજુક છે. પ્રેમનું એક ફૂલ છે જે અસ્તિત્વનાં ચરણોમાં ચડાવવાનું હોય છે. જે પ્રેમી હોય છે એ શરીરને ફૂલ સમજીને આખો દેહ પરમાત્માને સમર્પિત કરે છે. પ્રેમને કારણે ચૈતન્યએ દેહના ફૂલને ભગવાન જગન્નાથને અર્પણ કરી દીધું. કહેવાય છે કે આ નીલાંબરનો માણસ નીલવર્ણ સાગરને જોતો હતો તો `હરિ બોલ’ કરીને પોતાની કાયા સમુદ્રમાં નાખી દેતો હતો! ચૈતન્યની-ગૌરાંગની પ્રેમકથા અદ્ભુત હતી. વિષ્ણુપ્રિયાને છોડવાની વાત જ્યારે આવે છે; પરંતુ એ પ્રેમ એમનો યથાર્થ હતો એટલે તિયવાળું પુષ્પ પણ અસ્તિત્વનાં ચરણોમાં રાખી દીધું હતું. દરેક વસ્તુની મમતાને સંકેલી લીધી હતી; પ્રત્યાહાર કરી લીધો હતો. માત્ર એક જ મમતા, પ્રેમ. પોતાનો એ પ્રદેશ છોડ્યો, સ્થાન છોડ્યું. હવે એકમાત્ર ધામ હતું શ્રી વૃંદાવનધામ. એ તરફ ચાલી નીકળ્યા. એવા એક અદ્ભુત પ્રેમી આવ્યા આ ભારતની ધરા પર જેમને આપણે પ્રેમાવતાર કહ્યા. મમતા સંકેલી લીધી. ધનનો તો સવાલ જ નથી. એ પ્રેમસ્થિતિમાં જેમનું એકમાત્ર ધન હરિનામ છે. `શ્રીમદ ભાગવતજી’માં તો આવે છે કે અર્થમાં પંદર અનર્થ નિવાસ કરે છે. આ ધન પણ એક ફૂલ છે, પરંતુ એ મારા માટે નહીં, મારી શોભા માટે નહીં, મારા જગન્નાથની શોભા માટે આ ફૂલ સમર્પિત છે. એ માણસ ધરણીથી ઉપર ઊઠી ગયો હતો. એક ઊંચાઈ પકડી લીધી હતી. બધા આધારોને એમણે ફૂલની માફક જગન્નાથનાં ચરણોમાં ચડાવી દીધા હતા, કેમ કે પ્રેમ એમના જીવનનો આદર્શ નહોતો, યથાર્થ હતો.
કરુણાને હું એક પ્રવાહ કહું છું. કરુણા જેમના જીવનમાં યથાર્થ છે એમને કરુણા વહાવવી જોઈએ. આપણા ભારતીય મનીષીઓએ કરુણાનું એક પ્રતીક શોધ્યું છે એનું નામ છે આંસુ. કરુણાનું પ્રતીક છે અશ્રુ અને અશ્રુનો સ્વભાવ છે વહેવું. મને થાય છે કે ઉપરથી કોઈ જુએ તો યશોધરાનો ત્યાગ છે એ કરુણા છે કે કઠોરતા? ઉપરથી જોઈએ તો એ કઠોરતા પણ લાગે છે. અલબત્ત, યશોધરાને કઠોરતા લાગી પણ છે. ટાગોરે તો ખૂલીને ચર્ચા કરી છે. કરુણા વહે છે, તો આપણે સમજી નથી શકતા. બુદ્ધ શરીરથી યશોધરા સાથે નથી ગયા, પરંતુ ટાગોરની ભાષામાં બુદ્ધ એકવાર બોલ્યા છે, જ્યારે યશોધરાએ પૂછ્યું કે, `આપ કરુણામૂર્તિ છો. આપને ક્યારેય મારી યાદ આવે છે?’ બહુ જ કરુણાથી ભરેલો એ પ્રશ્ન હતો, `તથાગત, અમે તો આપની સાથે માનસિક રૂપે જોડાયેલા રહ્યા, પરંતુ આપને ક્યારેય મારી યાદ આવી?’ બુદ્ધ જવાબ આપે છે કે એકવાર હું નૌકામાં બેઠો હતો અને પૂર્ણિમાની રાત હતી. જળપ્રવાહમાં મેં ચંદ્રનું પ્રતિબિંબ જોયું અને મારા મનમાં એ ઊતર્યું; એકદમ તમારી યાદ આવી. બુદ્ધપુરુષને કોઈની યાદ આવે એ બુદ્ધત્વનું કોઈ સ્ખલન નથી, કરુણા છે. એ હોવી જોઈએ. બુદ્ધ કહે છે કે યશોધરા, પૂર્ણિમાનો ચાંદ જોઈને તમારી યાદ આવી. બુદ્ધપુરુષ આટલું યાદ કરે તો તો કામ થઈ જાય છે! એટલામાં તો ઘટના ઘટી જાય છે. આપણે માળા લેવી પડે છે, બુદ્ધપુરુષને માળા નથી લેવી પડતી. એમની સ્મૃતિમાં, એમના ચિત્તમાં વાત આવી ગઈ એટલે વાત ખતમ! તો કરુણા વહેતી હોય છે. બુદ્ધની કરુણા આ રીતે વહી. રાહુલને છોડી દીધો એ જોવામાં તો કઠોર લાગે છે, પરંતુ એ ઘટના ન ઘટી હોત તો બની શકે કે રાહુલ રાજા થઈ જાત અને પછી વૈભવમાં ફસાઈ જાત, પરંતુ કરુણા એવી વહી કે જ્યારે રાહુલને કહેવામાં આવ્યું કે તારા પિતા પાસે તું સંપદા માગ, ત્યારે બુદ્ધે ભિક્ષાપાત્ર આપી દીધું હતું. એ જ તો કરુણા હતી. બુદ્ધે પણ આ છ વસ્તુમાં કરુણાનો પ્રવાહ વહાવ્યો એવું મારું માનવું છે. મૂળ વાત એ કે સત્યને આદર્શ ન માનવો. સત્ય ત્રિકાલ અબાધિત છે, યથાર્થ છે, શાશ્વત છે. પ્રેમ યથાર્થ છે. કરુણા યથાર્થ છે.