ભગવાન કૃષ્ણ કહે છે: યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંત:કરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઈન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ. આમાં દાન, દમ, ઈન્દ્રિય નિગ્રહ, યજ્ઞ, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે.
યોગ દૈવી ગુણ છે, તે જીવન પ્રકાશિત કરે છે. જીવનને મહાન બનાવે છે. ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે. યોગ, વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે. યોગ, વ્રત, તપ, ધ્યાન, ધારણ સમાધિ વગેરે દૈવી તત્ત્વો છે.
વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે. યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જગત તેને ભોગનો વિષય નહીં, પણ ભક્તિનો વિષય લાગે છે. જગત ભોગનો વિષય નથી, ભક્તિનો વિષય છે. વ્રત દ્વારા તપ કરવાનું છે. સાધના કરવાની છે. `તપો દ્વંદ્વ સહનમ્!’ તપ એટલે સુખ-દુ:ખ જેવાં દ્વંદ્વો સહન કરવા. નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ-દુ:ખ સહન કરે છે તે વ્રત છે, તપ છે. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે. વ્રતની માફક તપ પણ દૈવી સંપત્તિનો ગુણ છે.
`ઉપાસના’ એટલે સાધના. સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે. આ `યોગ’ની એક એવી ક્રિયા છે, જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વેની સ્થિતિમાંથી પસાર થવું પડે છે.
યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષપદની પરમ પ્રાપ્તિ અર્થે આગ્રહ રાખે છે. સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા સફળ થાય છે. આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું દર્શન થવું કે અનુભૂતિ થવી તે જ `સમાધિ’ની સ્થિતિ છે.
યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે, તેના ધ્યેયથી તેની ભિન્ન સ્થિતિ નથી હોતી, તે સમયે તે ધ્યાન જ `સમાધિ’ કહેવાય છે.
યોગદર્શનમાં મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે, જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રતીતિ કે અનુભૂતિ થાય છે ને ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્ય સમાન થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બની જાય છે!
સમાધિના બે પ્રકાર છે : (1) સવિતર્ક કે સવિકલ્પ (2) નિર્વિતર્ક કે નિર્વિકલ્પ સવિકલ્પ સમાધિ એ ધ્યાનની જ એક વિશેષ અવસ્થા છે, સમાધિની જ વિશેષ અવસ્થા છે.
`યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતિ મુને:॥’
અર્થાત્ જેના વિશે ભૂતપ્રાણીમાત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે, જેને વિષે ભૂતપ્રાણીમાત્ર જાગ્યા છે તેને વિશે સંયમી પુરુષ સૂતા છે.
સાધનામાં પ્રથમ વાણીનું મૌન, પછી ચેતના અંતરાત્માનું મૌન, એમ વ્રતધારીએ ક્રમશ: આગળ વધવાનું હોય છે. સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્ત્વ છે. ધ્યાન એટલે ઈષ્ટદેવ કે દેવી વિશે શારીરિક-માનસિક એકાગ્રતા.
જેને `યોગ’ ગમે તેને `ભોગ’ ન ગમે. વ્રતીને ધ્યાનનો આનંદ એકાગ્રતા સિવાય મળતો નથી. ધ્યાન, આરાધના, ઉપાસના, સત્સંગ, સેવા, ભજન, કીર્તન, ઉપવાસ વગેરે મનુષ્ય અવતારથી જ થાય છે.
આંતરિક સાધનામાં મૌન ઉત્તમ સાથી છે. શાસ્ત્રોએ મૌનનો મહિમા ખૂબ ગાયો છે. `મૌન સર્વાર્થ સાધનમ્!’ સંત મહાત્માઓનાં જીવનમાં મૌન અને એકાંતે અગત્યનો ભાગ ભજવ્યો છે. હે રાજન્! હવે પ્રશ્ન એ થાય છે કે, મૌન શા માટે?
વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે, ત્યારે અંત:સ્થળમાંથી વિચારો ન ઊઠતા સપાટી પર જે જે આંદોલનો ઊઠે છે, તે બહાર વહી જાય છે. એટલે આંતરિક સંશોધન થઈ શકતું નથી. આપણો બધો વ્યવહાર સમુદ્રની સપાટી પર નાચતા તરણાના જેવો ઉપરછલ્લો બની જાય છે.
વ્રતધારીએ સાધના અને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે, અધ્યાત્મ ચેતનાથી બાહ્ય જીવનને સભર કરવાનું હોય છે.
બીજી ભૂમિકામાં વાણીના વ્યવહારો બંધ થતાં વૃત્તિઓ ખળભળે છે. અહીંથી જ સાધનાની શરૂઆત થાય છે. એ ખળભળતી વૃત્તિઓને નિરખવી અને વિવેક દ્વારા એનું સંશોધન કરવું એ જ કાર્ય છે. ધીમે ધીમે વૃત્તિઓ શાંત થતાં, આંતરચેતનાનો આછો અનુભવ થાય છે અને મૌનમાંથી એક પ્રકારની અનોખી પ્રસન્નતા જન્મે છે.
પહેલી ભૂમિકામાં આવતો કંટાળો કે ઉદ્વેગ નાશ પામે છે અને એક નવું જ ક્ષેત્ર ઊઘડે છે. સપાટી પર નાચતાં વૃત્તિ-તરણાંને નિરખવાનું મૂકીને સાગરના તળિયે સૂતેલાં અણમોલ મોતી આપણી સમક્ષ છતાં થાય છે. ધીમે ધીમે વ્રતી આગળ વધે છે અને આંતરચેતનાથી એનું જીવન રંગાઈ જાય છે, પછી તો એનું બહારનું જીવન પણ એક નવી જ દૃષ્ટિ પામી જાય છે.
ત્રીજી સહજ અવસ્થામાં સાધકનું (વ્રતીનું) સમગ્ર જીવન આંતરિક જીવનના પ્રતીકરૂપ બની ગયું હશે, ત્યારે વૃત્તિઓ અેને અકળાવી નહીં શકે. સામાજિક, રાજકીય, આર્થિક તથા વ્યક્તિગત ક્ષેત્રે જે અસંતુલન તે અશુદ્ધિ છે. આ અશુદ્ધિઓને નિવારવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તેનું નામ `સાધના.’
એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે. તેને રિદ્ધિ-સિદ્ધિ, યશ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અચેતન મનને જાગ્રત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્ત્વપૂર્ણ સાધન છે.
શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ – એ ચાર મુક્તિનાં સાધન છે. આમાં ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. આત્મતત્ત્વનું ચિંતન એ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ દોરી જાય એ ભક્તિ છે.
શ્રદ્ધા એ ભક્તિનું પૂરકબળ છે, ધ્યાનનું પ્રેરકબળ છે, સાધના કે ઉપાસનાનું અંતિમ સોપાન સમાધિ છે.
શ્રીકૃષ્ણ ધર્મરાજાને કહે છે: આ યોગિની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે.
યોગિની એકાદશીની કથા આ પ્રમાણે છે
અલકાપુરીનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો. `હેમમાલી’ નામનો તેનો હજુરિયો પૂજાની સામગ્રી લાવી આપતો. આ સેવકની પત્ની `વિશાલાક્ષી’ અતિ સ્વરૂપવાન હતી. તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો. એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદિ વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં. રાજાએ શિવપૂજા કરવા મોડે સુધી રાહ જોઈ.
કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો કે, `તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુલોકમાં પતન થશે.’
હેમમાલી માર્કંડેય મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે. મુનિવર્ય આદેશ આપે છે કે, `તું જો યોગિની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુ:ખ પણ દૂર થશે.’
માર્કંડેય મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ! સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખભોક્તા થયો. આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશિની ગણાય છે.
`મહાપાપપ્રશમની મહાપુણ્યફલપ્રદા।
શુચિ કૃષ્ણૈકાદશી તે કથિતા યોગિની નૃપ॥’