ઈઝરાયલે ગુરુવારે રાત્રે ઈરાનની રાજધાની તેહરાન પર મોટો હુમલો કર્યો હતો.આ હુમલામાં ઈઝરાયલી સેનાએ 60 ફાઈટર જેટનો ઉપયોગ કર્યો હતો.ઈઝરાયલી વાયુસેનાના એક્સ અકાઉન્ટ પર કરવામાં આવેલી એક પોસ્ટ મારફતે જણાવવામાં આવ્યું છે કે ઈરાનના પરમાણુ ઠેકાણાઓથી લઈને રક્ષા મંત્રાલય તેમજ ઘણા મહત્વના વિસ્તારોને ધ્વસ્ત કરી દેવાયા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ અમેરિકા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે અમેરિકાના અધિકારીઓ અને નેતાઓ સાથે હાઈલેવલ મીટિંગ કરી હતી.
બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા પહોંચ્યા
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, IDF ચીફ ઓફ સ્ટાફ એયાલ ઝામીર, સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝ, વ્યૂહાત્મક બાબતોના પ્રધાન રોન ડર્મરે ગુરુવારે રાત્રે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમાં યુએસના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પણ હાજર રહ્યા હતાં. મીડિયા અહેવાલો પ્રમાણે અમેરિકામાં આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા ઈરાન વિરુદ્ધ થઈ રહેલી ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીમાં જોડાવું જોઈએ કે નહીં તે અંગે વિચારી રહ્યું છે.
શું કહ્યું વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ?
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ આગામી બે અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેશે કે અમેરિકા ઈરાન વિરુદ્ધ થઈ રહેલા હુમલાની કાર્યવાહીમાં જોડાશે કે નહીં. વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ઈરાન સાથે સંભવિત વાટાઘાટોની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રેસિડેન્ટ ટ્રમ્પ બે અઠવાડિયામાં નિર્ણય લેશે કે લશ્કરી કાર્યવાહી કરવી કે નહીં.લેવિટે એ પણ સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ રાજદ્વારી ઉકેલમાં રસ ધરાવે છે પરંતુ તેમની સૌથી મોટી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત ન કરે.