લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં અને પોષક તત્વોની પ્રક્રિયામાં લીવર મહત્વપૂર્ણ કાર્ય કરે છે. શરીરની અંદર રહેલ આ અવયવ આપણે જે ખોરાકનું સેવન કરીએ છીએ તેનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયગાળામાં લોકોમાં લીવરની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે.
દર્દીઓની સંખ્યામાં વધારો
કેન્સર અને ડાયાબિટીસની જેમ આજે લીવર સંબંધિત સમસ્યાને લઈને મોતનું જોખમ વધ્યું છે. બદલાતા ખાનપાન અને જીવનશૈલીના કારણે ભારત સહિત દુનિયાભરમાં લીવર સંબંધિત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ મામલે આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે અજાણતા આપણી કેટલીક આદતો લીવરની સમસ્યામાં વધારો કરે છે.
આ છે કેટલીક એવી આદતો જે આપણા લીવરને નુકસાન કરી શકે છે.
સવારનો નાસ્તો : વ્યસ્તતાના લીધે અથવા ઉતાવળના લીધે આપણે સવારનો નાસ્તો સ્કીપ કરીએ છીએ. એટલે કે ઘણા એવા લોકો છે સવારે નાસ્તો નથી કરતા અને સીધું બપોરનું ભોજન કરે છે. જો કે આરોગ્ય નિષ્ણાતના મતે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સ વધી શકે છે, જે લીવરને પણ કોઈને કોઈ રીતે અસર કરે છે.
વધારે ખાંડવાળો નાસ્તો : આજના યુવાનોમાં સવારના નાસ્તામાં બ્રેડ જામ અથવા તો કૂકીઝ-ટોસ્ટ અથવા તો મફિન ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. કેટલાક લોકોને સવારે ચા-કોફી બાદ તરત જ વધુ ખાંડવાળા આવા નાસ્તા કરતા હોય છે. એક્સપર્ટ કહે છે કે વધુ ખાંડવાળો નાસ્તો લીવર માટે હાનિકારક છે. આ નાસ્તામાં રહેલા ફ્રુક્ટોઝ એટલે વધુ ખાંડ હોવાના કારણે લીવરમાં મેટાબોલાઇઝ થયા બાદ પાછળથી ચરબી જમા થાય છે. જે તંદુરસ્ત આરોગ્ય માટે જોખમી બને છે.
ભૂખ્યા પેટે સપ્લીમેન્ટ્સ લેવાની આદત : આજે મોટાભાગના લોકો 40 વર્ષ બાદ નિયમિતપણે કોઈને કોઈ દવા લેતા હોય છે. અને તેઓ વ્યસ્તતાના કારણે સવારે નાસ્તો કર્યા વગર સપ્લિમેન્ટ્સ કે પેઇનકિલર્સ લઈ લે છે. ભૂખ્યા પેટે સપ્લિમેન્ટ્સ લેવાથી લીવર પર અસર થાય છે કારણ કે લીવર તેને યોગ્ય રીતે ડિટોક્સ નથી કરતું શકતું.
વધુ પડતા ડિટોક્સ પીણાંનું સેવન : ઘણા લોકો શરીરને ડિટોક્સ કરવા માટે વધુ પડતા ડિટોક્સ ડ્રિંક્સનું સેવન કરે છે જે લીવર માટે સારું નથી. કેટલાક લોકો એપલ સીડર વિનેગર, લાલ મરચું, લીંબુ, હળદર, લસણ અને બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ ડિટોક્સ ડ્રિંક્સ તરીકે કરે છે. જે બિલકુલ ખોટું છે. તમે સાદા લીંબુ પાણી અથવા સાદા એલોવેરા જ્યુસ પીને તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો.
હળવી પ્રવૃત્તિઓને દિનચર્યામાં કરો સામેલ
જો તમને પણ ઉપર જણાવ્યા મુજબની આદતો છે તો જલ્દી બદલો. કારણ કે લીવર બીમારી એ એક સાયલન્ટ કિલર માનવામાં આવી રહી છે. કારણ કે અનેક કિસ્સાઓમાં તેના લક્ષણો બહુ મોડા દેખાય છે. ખાસ કરીને આપણી સવારની આદતો લીવર પર જોખમ વધારે છે. લીવરને સ્વસ્થ રાખવા આ બાબતોનુ ધ્યાન રાખવા સાથે હળવી પ્રવૃત્તિઓને દિનચર્યામાં સામેલ કરવી.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.