રોજિંદા જીવનમાં આપણે નાની નાની બાબતોથી બીમારીઓને આમંત્રણ આપતા હોય છે. જેમાં દુકાન અથવા મોલની રસીદો પણ જવાબદાર છે. કંઈપણ ખરીદ્યા પછી બિલ લઈએ છીએ. તો આ બિલ કાગળની રસીદના રૂપમાં મળે છે. આપણે આ રસીદ હાથમાં લઈએ છીએ. આ રસીદો ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. મોટાભાગના બિલ થર્મલ પેપર પર છાપવામાં આવે છે. જેમાં BPA અથવા BPS જેવા રસાયણો આવેલા હોય છે. આ રસાયણો કેન્સરથી લઈને હોર્મોન્સના અસંતુલન સુધીની બિમારીનું કારણ બને છે.
કાગળની રસીદો બિમારીનું કારણ
SGT યુનિવર્સિટી ગુરુગ્રામના ફોરેન્સિક નિષ્ણાત ડૉ. ભૂપેશ કુમાર શર્માએ જણાવ્યુ છે કે, BPAના સંપર્કમાં આવવાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. ખાસ કરીને એસ્ટ્રોજનના સ્તરમાં ખલેલ પડે છે. આનાથી PCOS, વંધ્યત્વ અને સ્તન અથવા પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તે થાઇરોઇડ કાર્યમાં પણ ખલેલ પહોંચાડી શકે છે. આ ઉપરાંત, બાળકોમાં ADHD જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓનું જોખમ પણ હોઈ શકે છે. BPA કોઈપણને અસર કરી શકે છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ, નાના બાળકો અને કિશોરો તેનાથી વધુ પ્રભાવિત થઈ શકે છે. બાળકોમાં, આ રસાયણો માનસિક વિકાસને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, આ રસીદો ટાળવી જોઈએ.
બિમારીથી બચવાના ઉપાય
રસીદને સીધા હાથથી સ્પર્શ કરશો નહીં. ખાસ કરીને જ્યારે હાથ ભીના હોય છે. જો જરૂરી ન હોય તો, રસીદ ન લો, ડિજિટલ બિલ માંગી લો. રસીદને ખાદ્ય પદાર્થોની નજીક ન રાખો. બિલને બાળકો અથવા ગર્ભવતી સ્ત્રીઓથી દૂર રાખો. બિલને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા જોઇએ. થર્મલ રસીદોનું રિસાયકલ કરશો નહીં, કારણ કે આનાથી રસાયણો અન્ય ઉત્પાદનોમાં પ્રવેશી શકે છે. કેટલીક બ્રાન્ડ્સ BPA મુક્ત કાગળનો ઉપયોગ કરે છે. આ કાગળોમાં BPAનું જોખમ ઓછું હોય છે. જેના કારણે રોગોનું જોખમ ખૂબ ઓછું હોય છે.