શું તમે પણ પાતળા થવા માટે ખાનગી ડૉક્ટર્સનો સહારો લઈને હજારો રૂપિયાની ફી ખર્ચી રહ્યા છો તો હવે તમારે એવો કોઈ ખર્ચ કરવાની જરૂર નહીં પડે, કેમ કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં આ સારવાર તમને મળી રહેશે. સિવિલ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન ઓપીડીની શરૂઆત અને IIM અમદાવાદ દ્વારા ઓબેસિટી મેનેજમેન્ટ રિસર્ચ એ આ દિશામાં મહત્વના પગલાં છે.
સિવિલ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન ઓપીડી શરૂ કરાઇ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ ખાતે 10 મે 2025ના રોજ એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે એક ‘ડાયટેશિયન ઓપીડી’ની શરૂઆત કરવામાં આવી છે. મેદસ્વિતા સહિત ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાયપરટેન્શનના દર્દીઓ માટે આ સેન્ટર ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં આવતા ઓબેસિટીવાળા દર્દી આ સેન્ટરમાં જઈ શકે એવી વ્યવસ્થા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સેન્ટરમાં ઓબેસિટીવાળા દર્દીનું બીએમઆઈ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ તેને અનુરૂપ એ વ્યક્તિને ડાયેટ પ્લાન આપવામાં આવે છે.
IIM અમદાવાદ દ્વારા હાથ ધરાશે ઓબેસિટી મેનેજમેન્ટ રિસર્ચ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA) એ નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે, જેનો ઉદ્દેશ ઓબેસિટી કેર ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. આ ભાગીદારી હેલ્થ સિસ્ટમ કેપેસિટી બિલ્ડિંગ, પોલિસી એડવોકેસી અને હેલ્થ ઇકોનોમિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. IIMA ઓબેસિટી ક્લિનિક્સ માટે મોડેલ ફ્રેમવર્ક વિકસાવશે, હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરશે અને ટેલિમેડિસિનની ભૂમિકાનું મૂલ્યાંકન કરશે.
શાળાઓમાં યોજાય છે મેદસ્વિતા જાગૃતિ કાર્યક્રમો
શહેર અને જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકોને પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃત્તિનું મહત્વ શીખવવામાં આવે છે. ઘણી શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રાગી, બાજરી જેવા પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પગલાં બાળપણની મેદસ્વિતાને રોકવામાં મદદ કરે છે. મેદસ્વિતાને લઇને શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
ખાનગી હોસ્પિટલ્સના ખર્ચા મોંઘા પડે છે
શહેરમાં ઘણી ખાનગી હોસ્પિટલ્સ ઓબેસિટી નિવારણ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પૂરી પાડે છે. જેમાં ડાયેટ પ્લાનિંગ, મેડીટેશન, વેઈટ લોસ, બેરિયાટ્રિક સર્જરી સહિત તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. આ હોસ્પિટલોમાં દર્દીઓને ગેસ્ટ્રિક બાયપાસ, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી, વ્યક્તિગત આહાર યોજનાઓ અને મનોવૈજ્ઞાનિક સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે.પરંતુ તેના ખર્ચ દરેકનો પોસાય તેમ નથી હોતા. જેને પગલે રાજ્યમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.