પિઝા બાળકોનું મનપસંદ ફાસ્ટફૂડ છે. બાળકોમાં જંકફૂડનું સેવન વધ્યું છે. અને એટલે જ આજે ગુજરાતમાં પિઝાના જુદા-જુદા ફૂડ કાફે ખૂલ્યા છે. અત્યારે વરસાદી સિઝનમાં બહારનું ખાવાથી બાળકોને બીમારીનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં તમે ઘરે રેસ્ટોરન્ટ જેવા પિઝા બનાવી શકો છો. એવું કહેવાય છે કે પિઝા ઓવનમાં જ સારા બનતા હોય છે. પરંતુ આ ટિપ્સની મદદથી તમે ઘરે પણ હોટલ જેવા ટેસ્ટી પિઝા બનાવી શકશો.
ઘરના પિઝા વધુ સ્વાદિષ્ટ
આજના લેખમાં તમને ઓવન વગર પિઝા ઘરે કેવી રીતે બનાવાય તેની સરળ ટીપ્સ જણાવીશું. ઘરના પિઝા સ્વાદિષ્ટ તો બનશે જ સાથે-સાથે સ્વાસ્થ્યને નુકસાન પણ નહીં કરે. હેલ્ધી પીઝા ખાઈ બાળકો તો શું મોટા પણ વારંવાર માગશે.
પિઝા બનાવવા માટે સામગ્રી
પિઝા બેઝ માટે: 1/2 કપ ઘઉં નો લોટ, 1/4 ચમચી બેકિંગ પાઉડર, 1/8 ચમચી બેકિંગ સોડા, 1/4 કપ દહીં, 2 ચમચી તેલ અને મીઠું સ્વાદ મુજબ
ટોપીંગ્સ માટે: 1 ચમચી મકાઈના દાણા, 1 ચમચી પનીરના ટુકડા, 1 ચમચો ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચો ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 લાલમરચાંની સ્લાઈસ, 1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ, 1/4 કપ મોઝરેલા ચીઝ ક્યુબ્સ, 1/2 કપ પિઝા સોસ, 1 ચમચો પિઝા સિઝનિંગ, 1 ચમચો ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1-2 ચમચી તેલ
પિઝા બનાવવાની રીત
- પિઝા બનાવતા પહેલા તેનો બેઝ તૈયાર કરવો પડશે. બેઝ બનાવા માટે લોટમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા અને તેલ નાખી સરખી રીતે ભેળવી દો. પછી તેમાં દહીં ઉમેરી પરોઠા જેવો નરમ લોટ બાંધી લો અને ઢાંકી ને 10-15 મિનિટ રાખી દો.
- ત્યારબાદ કુકરમાં મીઠું નાખી, એક રિંગ કે સ્ટેન્ડ રાખી તેના ઉપર સીટી વિના ઢાંકણું બંધ કરી, 8-10 મિનિટ માટે મધ્યમ આંચ પર પ્રી હિટ કરો.
- લોટને થોડો મસળીને 3 ભાગ કરો. એક ભાગ લઇ, વણો અને ફોર્ક થી પ્રિક કરો અને ગરમ થયેલા કુકરમાં પ્લેટ મૂકી તેમાં આ વણેલો બેઝ રાખી પછી તેને એરટાઈટ ઢાંકણા વડે ઢાંકી દો. અને ધીમી આંચ પર 10 મિનિટ માટે કૂક કરો.
- બીજી બાજુ હવે એક નોનસ્ટીક પેનને સાધારણ ગરમ કરો. આ પેનમાં થોડું તેલ ચોપડી તૈયાર થયેલ પિઝા બેઝનો રોટલો મૂકો તેના પર પિઝા સોસ સ્પ્રેડ કરો. આ રીતે પિઝા બેઝના તમામ રોટલા તૈયાર કરવા.
- માર્ગરીટા પિઝા બનાવવા હોય તો ફકત ચીઝ નાંખી ઢાંકી દો. આ ચીઝ 2-3 મિનિટમાં ઓગળી જશે અને પછી ઢાંકણું ખોલી નાખો અને તેના પર ફરી ચીઝનું સિઝનિંગ કરો.
- ઇટાલિયન પિઝા માટે, બેઝ પર પિઝા સોસ સ્પ્રેડ કરી, ડુંગળી અને સિમલા મરચાં નાખો. બન્ને ચીઝ નાખો. લાલ મરચાં ની સ્લાઈસ મુકો અને કૂક કરો. સિઝનિંગ છાંટીને ગરમ પીરસો. પિઝાને રેસ્ટોરન્ટ લુક આપવા તમે બજારમાં મળતા તૈયાર ઓલિવ પણ લાવી શકો છો.
- તૈયાર થઈ ગયા ઓવન વગરના પિઝા. ઘરે બનાવેલ આપિઝાનો ફાયદો એ છે કે તમે થોડી સામગ્રીમાં વધુ પિઝા બનાવી શકો છો.