ફેફસાના કેન્સરની જાગૃતિ માટે દરવર્ષે 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસા કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે કોઈપણ બાબતની જાગૃતિ એ જ રક્ષણ અને બચાવ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે ખોટી આદતો બદલીને આ ગંભીર રોગથી બચી શકીએ છીએ. દુનિયાભરમાં આજે ફેફસાંના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.ફેંફસાંનું કેન્સર ફક્ત ધ્રુમ્રપાન નહીં પરંતુ અનેક કારણો હોઈ શકે છે.
ફેંફસાના કેન્સરના આ છે કારણો
ધૂમ્રપાન: ફેફસાના કેન્સરનું સૌથી મોટું કારણ ધૂમ્રપાન છે. જે લોકોને સિગારેટ, બીડી કે તમાકુનું વ્યસન છે તેમના મોટાભાગના લોકોના મોત આ કેન્સરના કારણે થાય છે. આ વસ્તુઓમાં રહેલા હાનિકારક રસાયણો ફેફસાના કોષોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ફેફસાં પર જોખમ અનેકગણું વધે છે.
નિષ્ક્રિય ધૂમ્રપાન: એવી માન્યતા છે કે ધ્રૂમ્રપાન કરનાર વ્યક્તિ જ બીમાર થાય છે. પરંતુ આ બાબતને હળવાશમાં ના લેવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ ધ્રૂમ્રપાન કરે છે તેના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ વધે છે. આ સ્થિતિને નિષ્ક્રિય ધૂમ્રપાન એટલે કે સેકન્ડ હેન્ડ સ્મોક કહેવાય છે. જેમાં સ્મોક કરનાર વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેની પાસેના વ્યક્તિને ફેફસાંને એટલું જ નુકસાન થાય છે જેટલું એક સિગારેટ પીવાથી થઈ શકે છે. એટલે આવો લોકોથી અંતર રાખવું.
પ્રદૂષણ : વિકાસની દોડમાં શહેરી વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. ફેકટરીઓ અને સિગારેડના ધુમાડા તેમજ રસ્તાઓ પરની કામગીરી અને પુનઃનિર્માણના કારણે ધૂળના રજકણો હવામાં ફેલાતા પ્રદૂષણ વધે છે. હવાનું પ્રદૂષણ પણ સિગારેટના ધુમાડા જેટલું જ નુકસાન પહોંચાડે છે. હવામાં ફેલાયેલ ઝેરી કાર્બન આપણા ફેફસાંમાં જમા થતા તેમને નબળા પાડે છે. આનાથી આપણા ફેફસાંમાં કેન્સરનું જોખમ વધે છે. તેથી ફેફસાના કેન્સરમાં પ્રદૂષણ મોટી ભૂમિકા ભજવે છે.
ખરાબ આહારની ટેવો : જંક ફૂડ, તળેલા ખોરાકનું વધુ સેવન અને પોષક તત્વોનો અભાવ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ફેફસાંને સ્વસ્થ રાખવા લીલા શાકભાજી, ફળો અને સંતુલિત આહાર લેવો જોઈએ. આ ઉપરાંત હાનિકારક વાયુઓ અને રસાયણો પણ જીવલેણ સાબિત થઈ શકે છે. હવામાં આ રસાયણોની હાજરી ધીમા ઝેર જેવું કામ કરે છે. જે ફેફસાંમાં કેન્સર જેવા રોગોનું કારણ બની શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )