ચોમાસામાં વરસાદના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે છે. અને વાતાવરણ ઠંડુ બનતા ઘરની દિવાલોમાં પણ ભીનાશ પ્રસરે છે. હવામાં થતા આ બદલાવ આપડા રસોડાના પર્યાવરણમાં બદલાવ લાવે છે. એટલે કે વરસાદી સિઝનમાં ફળો અને શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે.આ સિઝનમાં ફળો અને શાકભાજીનો જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો ખોરાકને બગડતો અટકાવી શકીએ છીએ. થોડી બેદરકારી અને ઉતાવળના કારણે આપણે બીમાર પડીએ છીએ.
ફળ અને શાકભાજીની કરો સાચવણી
અનાજની સાથે જ રોજિંદા ઉપયોગમાં લેવાતા ફળ અને શાકભાજીની સાચવણીમાં ધ્યાન આપીએ તો તાવ, ઉધરસ જેવી બીમારીને દૂર રાખી શકીએ છીએ. આ ઋતુમાં કેળા, ચીકુ અને પાંદડાવાળા શાકભાજી સાચવણી બહુ જરૂરી છે. થોડી સાવધાની અને સમજણ રાખીને આ ખોરાકનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. આજના લેખમાં શાકભાજી અને ફળોની કેવી રીતે સાચવણી કરવી તેને સામાન્ય ટીપ્સ આપીશું. આ ટિપ્સને અજમાવી તમે મોટી બીમારીને સામાન્ય સમજણથી દૂર રાખી શકશો.
ફળોની કરો આ રીતે સાચવણી
આ સિઝનમાં આહારમાં ફ્રોઝન ફૂડના સ્થાને તાજા અને મોસમી ફળો પસંદ કરો. સફરજન, દાડમ, નાસપતી, ચેરી જેવા ફળો ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કયારેય પણ પહેલાથી કાપેલા ફળો ન ખાઓ. એટલે કે ફળને કાપ્યા બાદ તરત ખઈ જાઓ. કારણ કે લાંબા સમય સુધી કાપેલા ફળમાં બેક્ટેરિયા જલદી પ્રવેશ કરે છે. એટલે હંમેશા તાજા ફળો ખાઓ. ફળોને ખાતા પહેલા ધોઈને સૂકવી લો. જેથી તેના બહારના પડ પરની ગંદકી અને જંતુઓ દૂર થશે. ધોઈ અને સૂકવ્યા બાદ રેફ્રિજરેટરમાં અલગ સ્થાન પર રાખો. ફળોને શાકભાજીથી અલગ રાખો અને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહ કરો.
શાકભાજીની સાચવણી કરો આ રીતે
બજારમાંથી શાકભાજીની ખરીદી કર્યા બાદ તરત લાવીને ફ્રીજમાં ના મૂકો. શાકભાજી લાવીને થોડો ખુલ્લા મૂકી રાખો પછી ધુઓ. તરત ધોવાથી તેમાં ભેજ વધે છે અને તે ઝડપથી સડવા લાગે છે. એટલે તેને સૂકા કપડાથી સાફ કરવું અથવા કાગળમાં લપેટવું વધુ સારું છે. બીજા શાકભાજી કરતાં પાલક અને મેથી જેવા પાંદડાવાળા શાકભાજી અલગ રાખો. પાંદડાવાળામાં શાકભાજીમાં આ દિવસોમાં જલદી ભેજ લાગે છે. એટલે રેફ્રિજરેટરમાં પણ હવાચુસ્ત પાત્રમાં કાગળમાં લપેટીને મૂકો.
રેફ્રરીજટેટરમાં ના રાખો આ વસ્તુ
ડુંગળી, લસણ અને બટાકાને ફ્રિજમાં ન રાખો. તેની વાસ દુધ અથવા મીઠાઈ જેવા ભોજનમાં પ્રવેશ છે. એટલે તેને બહાર કાગળની થેલી અથવા ટોપલીમાં ઠંડી, સૂકી અને હવાદાર જગ્યાએ રાખો. તેમને લીલા શાકભાજીથી દૂર રાખો જેથી તે ભીના ન થાય. રેફ્રીજરેટલમાં કયારેય સડેલા શાકભાજી ના મૂકો. બહારથી લાવેલ શાકભાજી રેફ્રીજરેટમાં મૂકો ત્યારે બરાબર ચકાસીને મૂકો. આ દરમિયાન રેફ્રિજરેટરનું તાપમાન યોગ્ય રાખો. ચોમાસા દરમિયાન રેફ્રિજરેટરનું તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો જેથી શાકભાજી તાજા રહે.