અમેરિકામાં થયેલા ક્રિપ્ટો ફ્રોડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ અમેરિકામાં ભારતીય નાગરિક ચિરાગ તોમરની ધરપકડ કરી છે અને દિલ્હીમાં આવેલી તેની 42.8 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી લીધી છે. તોમર પર આરોપ છે કે તેને ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેસની નકલ કરનારી એક ખોટી વેબસાઈટ બનાવીને 2 કરોડ અમેરિકી ડોલર એટલે કે લગભગ 166 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
ચિરાગ તોમર અમેરિકાની જેલમાં બંધ
ઈડીએ જણાવ્યું કે અસ્થાયી રીતે મિલકત જપ્ત કરવાનો આદેશ 2 ઓગસ્ટે પીએમએલએ હેઠળ પાસ કરવામાં આવ્યો. જપ્ત કરવામાં આવેલી મિલકતમાં દિલ્હી સ્થિતિ 18 અચલ મિલકતો અને તોમરના પરિવારના બેન્ક એકાઉન્ટમાં જમા રકમ સામેલ છે. આ કેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચિરાગ તોમરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પર આરોપ છે કે તેને નકલી ક્રિપ્ટો એક્સચેન્જ સાઈટ બનાવીને ઘણા લોકોને છેતર્યા છે. હાલમાં તે અમેરિકાની જેલમાં બંધ છે. ઈડીએ જણાવ્યું કે ચિરાગ તોમર અને તેમના સાથીઓએ SEO ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. કોઈ જ્યારે કોઈનબેસને ઓનલાઈન સર્ચ કરે છે તો તે નકલી વેબસાઈટ અસલીની ઉપર બતાવવામાં આવે છે.
ક્રિપ્ટો ફ્રોડ ગેંગની મોડસ ઓપરેન્ડી
લોકો જ્યારે નકલી વેબસાઈટ પર પોતાના લોગિન આઈડી નાખતા તો તેમને એરરનો મેસેજ મળતો, ત્યારબાદ પીડિત લોકો વેબસાઈટ પર આપવામાં આવેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરતા પણ આ કોલ તોમર દ્વારા સંચાલિત કોલ સેન્ટર સાથે જોડાતો હતો. ત્યાંથી છેતરપિંડી કરનારાઓ સીધા પીડિતના એકાઉન્ટ સુધી પહોંચી જતા અને તેમની ક્રિપ્ટો હોલ્ડિંગ્સને પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરી લેતા. ઈડીએ કહ્યું કે ચોરી કરેલી ક્રિપ્ટોકરન્સીને અલગ અલગ પ્લેટફોર્મ પર વેચીને તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી લીધી છે આ રકમ ચિરાગ તોમર અને તેના પરિવારના ખાતામાં જમા થઈ છે. જેના દ્વારા દિલ્હીમાં ઘણી મિલકતો ખરીદવામાં આવી છે. જેની કિંમત 42.8 કરોડ રૂપિયા થાય છે.