ચોમાસાની સિઝનમાં લોકોમાં પાચનસંબંધિત ફરિયાદ વધે છે. અનેક લોકો આ સિઝનમાં પેટમાં દુખાવો, ગેસ અને અપચો થવાની સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરે છે. આ સમસ્યામાં દવા લીધા બાદ થોડી રાહત મળે છે પરંતુ દવાની અસર જતા ફરી આ દુખાવો થાય છે. એટલે જ આ સિઝનમાં પેટની આ ફરિયાદ દૂર કરવા દાદા-નાનીના દેશી નુસખા શ્રેષ્ઠ ઉપચાર સાબિત થશે.
વરસાદમાં વધે છે પેટની સમસ્યા
આ ઘરેલું ઉપાયો તમને ફકત પેટની લગતી સમસ્યામાં જ નહીં ઉલટી અને ઉબકામાં પણ મદદરૂપ બનશે. ચોમાસામાં આપણી પાચનશક્તિ નબળી પડે છે. તેના કારણે કેટલાક લોકોને આ સિઝનમાં પેટની ફરિયાદ વધે છે તેવું આર્યુવેદ કહે છે. એટલે જ આ દિવસોમાં ખાનપાન નિયંત્રણમાં રાખવું જરૂરી છે.
પેટની સમસ્યામાં અસરકારક ઘરેલુ ઉપચાર
- દરરોજ ખાલી પેટે સવારે અને રાતે સુતા પહેલાં ઉકાળેલું ગરમ પાણી પેટ ઝડપી સાફ કરશે. ગરમ પાણી પીવાથી આંતરડાંની અંદર જામેલ ગંદકી દૂર થશે અને પાચનમાં સુધારો થશે.
- આ ઉપરાંત ત્રિફળા ચૂર્ણ અને ઇસબગુલ પણ વર્ષો જૂની કબજીયાતની સમસ્યામાં રાહત આપશે. ત્રિફળામાં હરીતકી, બહેડા અને આમળાં હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. 1-2 ચમચી ઈસબગોલ રાત્રે પાણીમાં લેવાથી સવારે પેટ જલદી સાફ થાય છે. ઈસબગોલ આંતરડાંને નરમ રાખે છે.
- પેટનું ફૂલવું અને ઉબકાથી રાહત મેળવવા માટે આદુનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. આ માટે આદુ અને ગોળને પાણીમાં સારી રીતે ઉકાળો અને તેને ચાસણીની જેમ તૈયાર કરો. તેને પીવાથી પેટ શાંત થાય છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
- હળદરમાં કર્ક્યુમિન સંયોજન તેમજ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. ગરમ હળદરવાળું દૂધ પીવાથી ચોમાસાની ઋતુમાં પેટના ચેપથી રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
- ગોળ અને તલનું એકસાથે સેવન પેટની સમસ્યામાં રાહત આપશે. રોજ એક નાની ગોળી જેટલી માત્રામાં તલ અને ગોળ ભેળવીને ખાવાંથી આંતરડા સ્વસ્થ થશે. તલમાં તેલ હોય છે જે આંતરડાંને લુબ્રિકેટ કરે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )