સોનમ વાંગચૂકની પત્ની ગીતાંજલી અંગમોએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પત્ર લખીને કોઈપણ શરત વિના તેમના પતિને જેલમુક્ત કરવા માગ કરી છે. તેમણે પોતાના પતિની એનએસએ હેઠળ કરાયેલી ધરપકડને અનુચિત ગણાવી છે. તેમણે આ પત્રની એક નકલ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલી છે.
હિંસામાં સોનમ વાંગ્ચૂકનો કોઈપણ પ્રકારે હાથ નથી
તેમણે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું છે કે, તમે એક આદિવાસી સમુદાયના હોવાથી લદ્દાખના લોકોની ભાવનાઓને સારી રીતે સમજો છે. 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસામાં સોનમ વાંગ્ચૂકનો કોઈપણ પ્રકારે હાથ નથી. તેમણે ખુદ આ હિંસાની નિંદા કરી હતી. સરકારી કાર્યવાહી પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી કેન્દ્ર સરકાર લદ્દાખ આંદોલનને કમજોર કરવાનો પ્રયત્ન કરી રહી છે.
FCRA લાયસંસ રદ કરવા અને પાકિસ્તાની લિંક જેવા આરોપો ખોટા હોવાનું જણાવ્યું
ગીતાંજલીએ FCRA લાયસંસ રદ કરવા અને પાકિસ્તાની લિંક જેવા આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. સોનમ વાંગ્ચૂક પર એનએસએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. ગીતાંજલિએ કહ્યું કે વાંગ્ચૂક એક એવો માણસ છે જે કોઈ માટે ખતરો ઉભો કરી શકતો નથી. ચોક્કસ પોતાના દેશ માટે નહીં.સોનમે લદ્દાખના બહાદુર પુત્રોની સેવા કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને આપણા મહાન રાષ્ટ્રની રક્ષા કરવામાં ભારતીય સેના સાથે એકતા ઉભી છે.
ભારતીય સેનાના સૈનિકો માટે આશ્રયસ્થાનો બનાવ્યા
તેમણે કહ્યું કે સોનમે ભારતીય સેનાના સૈનિકો માટે આશ્રયસ્થાનો બનાવ્યા જેથી તેઓ સારી રીતે સૂઈ શકે અને અસરકારક રીતે લડી શકે.ગીતાંજલીએ દાવો કર્યો હતો કે, તેમને પોતાના પતિ સાથે વાત કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી નથી. મને મારા પતિની હાલત અંગે સહેજ પણ જાણકારી નથી. મને એવું પણ જણાવાયું હતું કે, અધિકારી મને મારા કાયદાકીય અધિકારો સમજાવશે પરંતુ આજ સુધી તે નથી આપવામાં આવ્યા.


