પરિશ્રમ વગર સફળતા નથી મળતી. ધનવૈભવની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો જરૂરી છે. આ વાતને આપણે નિર્વિવાદ જાણીએ છીએ. ક્યારેક પ્રસંગોપાત કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર જ્યારે ધનલાભ થાય છે ત્યારે અપાર ખુશી મળે છે, પણ આ રીતે મળેલ ધન અને ખુશી લાંબો સમય નથી ટકતી.
બુદ્ધ ભગવાન એકવાર વિહાર કરતાં કરતાં જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ નીચે તેમણે વિશ્રામ કરવાનું વિચાર્યું. તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે બાજુમાં એક માણસ જમીન ખોદી રહ્યો હતો. ખોદતાં ખોદતાં એ માણસનું ધ્યાન વૃક્ષની નીચે આરામ કરી રહેલા બુદ્ધ ભગવાન પર ગયું. આ જોઈને એ તરત જ પાવડાને એક બાજુ મૂકી બુદ્ધ ભગવાનના ચરણસ્પર્શ કરવા લાગ્યો. બુદ્ધ ભગવાને આ માણસને પ્રેમથી સ્મિત આપીને ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા. ફરી એ માણસ જમીન ખોદવા માંડ્યો. ખોદતાં ખોદતાં એક અદ્ભુત પ્રસંગ બન્યો. કંઈક ધાતુ જેવું પાવડા સાથે ટકરાતું હોય એવું તે માણસને લાગ્યું. તે શું છે એ જાણવા માટે તેણે આસપાસની જગ્યા સારી રીતે ખોદી તો ખબર પડી કે જમીનની નીચે કળશ દટાયેલો હતો અને તે પાવડા સાથે અથડાતાં અવાજ આવતો હતો. તે માણસે કુતૂહલવશ કળશને ખાડામાંથી બહાર કાઢ્યો તો કળશની અંદર કીમતી હીરા અને ઝવેરાત હતાં. સાચા હીરા અને ઝવેરાતની ચમક જોઈને આ માણસ તો અંજાઈ ગયો. તેની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો.
તેને થયું કે આ બુદ્ધ ભગવાનની કૃપાનું જ ફળ છે. તેણે બુદ્ધ ભગવાનના આશીર્વાદ લઈને જમીન ખોદવાનું શરૂ કર્યું, તેથી જ તેને આટલો વૈભવી કળશ મળી ગયો. તે આ વાત બુદ્ધ ભગવાનને સંભળાવવા માટે ખુશી ખુશી તેમની પાસે દોડી ગયો. તેણે બુદ્ધ ભગવાનને જણાવ્યું કે, `મેં તમારા ચરણસ્પર્શ કરીને જમીન ખોદવાનું કામ ચાલુ કર્યું હતું, તેથી જ મને જમીનમાંથી ઝવેરાત ભરેલો કળશ મળ્યો.’ ખોદનાર માણસની ખુશીનો તો કોઈ પાર ન હતો, પણ બુદ્ધ ભગવાને કહ્યું કે, `આ ધન પર તારો અધિકાર નથી, કારણ કે પરિશ્રમ કર્યા વગર મળેલ ધન ઝેર સમાન છે. તે વિનાશ જ નોતરે છે. આજ નહીં તો કાલ આ ધન તને સાચું સુખ નહીં આપે.’
આ સાંભળી પેલો માણસ ખૂબ ક્રોધે ભરાયો. તેણે બુદ્ધ ભગવાનનું અપમાન કર્યું અને કહ્યું કે, `કદાચ તમે આ ધનનું મૂલ્ય સમજી શકો એમ નથી. હું આ ધનને છોડી દઉં એવો મૂર્ખ નથી.’ આટલું બોલીને તે માણસ જંગલમાંથી નીકળી ગયો. ઘરે જઈને તેણે આ વાત પરિવારના સભ્યોને કહી. થોડો સમય પછી તેણે ઝૂંપડીની જગ્યાએ પોતાનો વૈભવી મહેલ બંધાવ્યો અને હીરા, ઝવેરાત વેચીને બહુ બધી સંપત્તિ, મકાન, જમીન મિલકત પોતાના માટે ખરીદી, પણ થોડા દિવસ બાદ એક સમસ્યા ઊભી થઈ. રાજાને માહિતી મળી કે આ માણસે રાજ્યની જમીનમાંથી મિલકત મેળવીને તેની આવકથી વધુ સંપત્તિ એકઠી કરી છે. આ મુદ્દે રાજાએ યોગ્ય દિશામાં તપાસ ચલાવી અને સત્ય બહાર આવ્યું. પેલા માણસના ઘરના સહિત બધા જ જેલમાં ગયા. આ સમયે તેને બુદ્ધ ભગવાનનાં વાક્યો યાદ આવ્યાં અને તેને બુદ્ધ ભગવાનનું અપમાન કર્યું હોવાનું પારાવાર દુ:ખ થયું. આ કેદીએ બધી જ વાત રાજાને કરી અને બુદ્ધ ભગવાનની માફી માગવાની ઈચ્છા વ્યક્ત કરી.
રાજાએ ભગવાન બુદ્ધને રાજસભામાં આમંત્રણ આપ્યું અને પેલા કેદીને પણ માફી માંગવા બોલાવ્યો. તેણે બુદ્ધ ભગવાનની માફી માંગી અને તેમની વાત ન માન્યાનું પરિણામ ભોગવું છું એવું પણ જણાવ્યું. તેના પ્રાયશ્ચિતનાં સાચાં આંસુ જોઈને બુદ્ધ ભગવાને તેને માફી આપી. આ જોઈને રાજાએ પણ તેને અને તેના સમગ્ર પરિવારને માફી આપી. ત્યારબાદ આ માણસે લાલચ છોડીને નીતિથી, મહેનતથી પૈસો કમાવવાનો સંકલ્પ કર્યો.


