ભારતે 23 ડિસેમ્બર, 2025ના રોજ પોતાની સ્ટેલ્થ પરમાણુ સબમરીનથી સબમરીન-લૉન્ચ બેલિસ્ટિક મિસાઇલ (SLBM) K-4નું સફળ પરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ પરીક્ષણ બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ પરીક્ષણ અંગે અગાઉથી કોઈ જાહેર જાહેરાત કરવામાં આવી ન હતી, જે તેના વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે.
પરીક્ષણ પરમાણુ ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલ
આ પરીક્ષણ પરમાણુ ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલનું હતું, જેને અરિહંત-ક્લાસ પરમાણુ સબમરીનમાંથી લોન્ચ કરવામાં આવી હતી. ગુપ્તતા જાળવવા માટે NOTAM (Notice to Airmen) પણ રદ રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, આ નિર્ણય પાછળ કારણ એ હતું કે પરીક્ષણ વિસ્તારમાં ચીની સર્વેલન્સ જહાજોની હાજરી નોંધાઈ હતી.
મિસાઇલનું સફળ પરીક્ષણ
K-4 મિસાઇલનું સફળ પરીક્ષણ ભારતના સમુદ્ર આધારિત પરમાણુ ત્રિકોણ (Nuclear Triad)ને વધુ મજબૂત બનાવે છે. જમીન, હવા અને સમુદ્ર પરથી પરમાણુ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતું ત્રિકોણ કોઈ પણ દેશ માટે વ્યૂહાત્મક સુરક્ષાનું મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાય છે. ખાસ કરીને, આ મિસાઇલ ભારતની ‘સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટી’ને સુનિશ્ચિત કરે છે, એટલે કે જો દુશ્મન પ્રથમ પરમાણુ હુમલો કરે તો પણ ભારત જવાબી પ્રહાર કરવા સક્ષમ રહેશે.
મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી K-શ્રેણીની
K-4 બેલિસ્ટિક મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી K-શ્રેણીની મહત્વપૂર્ણ મિસાઇલ છે. તેને ખાસ કરીને અરિહંત-ક્લાસ પરમાણુ સબમરીન માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી સબમરીન લાંબા સમય સુધી સમુદ્રની અંદર રહીને પણ વ્યૂહાત્મક હુમલો કરી શકે. ટેક્નિકલ રીતે જોવામાં આવે તો K-4 મિસાઇલની રેન્જ આશરે 3500 કિલોમીટર છે. તેની લંબાઈ લગભગ 12 મીટર અને વ્યાસ 1.3 મીટર છે. મિસાઇલનું કુલ વજન 17 થી 20 ટન વચ્ચે છે અને તે અંદાજે 2 ટન સુધીનો પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ‘કોલ્ડ લોન્ચ સિસ્ટમ’ દ્વારા પાણીની અંદરથી લોન્ચ કરવામાં આવે છે, જેના કારણે સબમરીનની સ્થિતિ ગુપ્ત રહે છે.
મિસાઇલ 3D મેન્યુવરિંગ કરવાની ક્ષમતા
આ ઉપરાંત, K-4 મિસાઇલ 3D મેન્યુવરિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (BMD) સિસ્ટમને ચકમો આપવાની ટેક્નોલોજીથી સજ્જ છે. આ તમામ વિશેષતાઓને કારણે K-4 મિસાઇલ ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જાય છે. કુલ મળીને, K-4 SLBMનું સફળ પરીક્ષણ માત્ર એક ટેક્નિકલ સિદ્ધિ નથી, પરંતુ એ ભારતના વ્યૂહાત્મક સંતુલન અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું છે.


