મોરારીબાપુના હસ્તે લોકગાયક અરવિંદ બારોટ અને અભેસિંહ રાઠોડનું સન્માન કરાશે
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજન
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિરાસત સમાન લોકકલા અને લોકસાહિત્યને જીવંત રાખનારા સંશોધકો અને કલાકારોના પ્રદાનને બિરદાવવા માટે આગામી તા.૨૮/૧૨/૨૦૨૫ને રવિવારના રોજ બપોરના ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરીમાં અરવિંદ બરોટને ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવૉર્ડ’–૨૦૨૫ અને અભેસિંહ રાઠોડને ‘લોકગાયક હેમુ ગઢવી ઍવૉર્ડ’ ૨૦૨૫ પૂ. મોરારિબાપુના હસ્તે અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાશે.
સંસ્થાના નિયામક પ્રોફે. જે.એમ. ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડનો મુખ્ય હેતુ આપણી આવતી પેઢી પોતાની સંસ્કૃતિ અને લોકકલાથી પરિચિત રહે તેમજ આ ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપનાર સંશોધકો, લોકગાયકો અને લોકવાર્તાકારોનું ગૌરવપૂર્ણ સન્માન કરવાનો છે”
અરવિંદ બારોટ-પરિચય
અરવિંદ બારોટનો જન્મ તા.૨૮ ઑગસ્ટ, ૧૯૫૨ના રોજ થયેલો. તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું સાવરકુંડલા છે. પરંતુ હાલ તેઓ અમદાવાદમાં રહે છે. અરવિંદભાઈને ગુજરાતની જનતા લોકગાયક તરીકે ઓળખે છે, પરંતુ તેઓ લોકસાહિત્ય, લોકપરંપરા અને લોકસંસ્કૃતિના મહત્ત્વના સંશોધક પણ છે. લોકસાહિત્યના એક સંશોધક તરીકે તેમની પાસેથી ‘ગળથૂથીથી ગંગાજળ’ (સંશોધન/અભ્યાસ લેખો), ‘ખમ્મા, સોરઠ દેશને !” (લોકકથાઓ), ‘મોર જાજે ઉગમણે દેશ’ (લગ્નગીતો, રાંદલનાં ગીતો, ફટાણાં), ‘હરિ તારાં નામ છે હજાર’ (ધોળ, કીર્તન, પદ, ઝીલણિયાં), “રીત રિવાજ” (આપણી પરંપરાગત જીવનશૈલી), ‘વરત વરતોલાં’ (પરંપરાગત વ્રતકથાઓ), ‘નવ્વાણુંનો ધક્કો’ (દેશી ઓઠાં -૧), ‘ખાતર માથે દીવો’ (દેશી ઓઠાં -૨), ‘ગામગોકીરો (દેશી ઓઠાં – ૩), ‘આવકારો મીઠો આપજે’ (કવિ કાગનાં ચૂંટેલાં કાવ્યો), ‘ઝળઝળિયાંને કાંઠે (લોકઢબની કવિતાઓ), પ્રેમલોક’ (જીવનલક્ષી વાતો), “માલીપા’ (લોકજીવનની સંવેદનકથાઓ), ‘શબદુંનાં ખેતર ખેડિયાં’ (ગામઠી પાત્રો, પ્રસંગો, ચિત્રો), “દુહો ચીંધે એંધાણ (૫૦૦ દુહાઓનું સાર્થ સંપાદન), “ગોકુળિયા ગાણાં’ (શ્રીકૃષ્ણની લીલાનાં લોકગીતો), ‘ભજનભાવ” (દેશી વાણી), ‘ડમ્મર ડાક વાગે’ (માતાજીનાં વેરાડી-ઝૂલણાં), “પીથલપુર” (લોક-નિબંધો) મળીને… કુલ ૧૯ ગ્રંથો પ્રાપ્ત થયા છે. એ દૃષ્ટિએ લોકસાહિત્યના સંશોધનક્ષેત્રે તેમનું માતબર પ્રદાન રહ્યું છે.
અરવિંદ બારોટ એક ભારતીય પાર્શ્વગાયક, ગીતકાર, સંગીત દિગ્દર્શક, સંગીતકાર, અને ગુજરાતી કવિ છે. તે ભજન, ધાર્મિક અને ગરબા ગીતો અને અન્ય લોક શૈલીઓમાં પણ નિષ્ણાત છે. તેમણે ૮૦૦૦થી વધુ ગુજરાતી ગીતો ગાયા છે. ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. અરવિંભાઈએ ફિલ્મ ‘દિકરીનો માંડવો’માં મોના થિબા સાથે મુખ્ય અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મમાં ગીતકાર, સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકે કામ કર્યું હતું, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોમાંની એક છે. તેમણે પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો “મૈયરમાં મનડું નથી લાગતું’ અને “ગામમાં પિયરીયુને ગામમાં સાસારિયું માટે પણ સંગીત આપ્યું છે.
લોકસાહિત્ય અને સંગીતક્ષેત્રે અરવિંદભાઈનાં બહુમૂલ્ય પ્રદાનને કારણે તેમને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’, ‘કવિ કાગ એવોર્ડ, “સંસ્કાર વિભૂષણ પુરસ્કાર”, “અંજુ-નરસિંહ એવોર્ડ’ અને ગુજરાત સાહિત્ય અકાદમી તફથી ‘શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક’ એમ અનેક પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આજે ૭૩ વર્ષની ઉંમરે પણ તેઓ લોકસંગીત અને લોકસાહિત્યના સંશોધનક્ષેત્રે પૂરી નિષ્ઠા અને નિસબતથી કામ કરે છે.
અભેસિંહભાઈ રાઠોડ-પરિચય
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડનું નામ વિશ્વ સમસ્તમાં ગાજતું કરનાર અને જેમનું ખુદનું નામ પણ ગુજરાતના લોકકલા અને શિક્ષણ જગતમાં ખૂબ આદર અને અદબથી લેવાય છે એવા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે ગુજરાતના લોકગીતોને એનાં મૂળ ઢાળમાં ગાઈને સમસ્ત વિશ્વમાં પહોંચાડવાનું એક ભગીરથ અને અમૂલ્ય કામ કર્યું છે. ગુજરાતના લોકસાહિત્ય અને લોકકલાસંસ્કૃતિ માટે આવાં ઉપકારક કર્તૃત્વથી અભેસિંહ રાઠોડના બુલંદ અવાજને ઈતિહાસ હંમેશાં યાદ રાખશે. ગુજરાતના ભાલ નળ કાંઠા પ્રદેશમાં આવેલ બોટાદ જીલ્લાના સરવા ગામે સાવ સામાન્ય ક્ષત્રિય ખેડૂ પરિવારમાં જન્મેલા અભેસિંહ રાઠોડનું બાળપણ અભાવોમાં ગુજરેલું. નાનકડા ગામના અભણ ખેડૂ માવુભા અને અભણ માતા પોતાના આ વ્હાલસોયાનાં ઉજ્જ્વળ ભાવિની હંમેશાં કામના કરતાં. સાવ નાનકડા અભેસિંહના કંઠમાં માતા સરસ્વતી બિરાજમાન છે એની પ્રતીતિ તો શિક્ષકોને બહુ વહેલી થયેલી અને એટલે જ તો બાળ અભેસિંહને પહેલા ધોરણથી જ શાળામાં ગવડાવતા.
અભેસિંહભાઈને માં નર્મદા પ્રતિ અપાર ખેંચાણ હતું અને એટલે જ જાણે માં નર્મદાએ એમને પોતાની સન્મુખ વસાવ્યા. ભરૂચના સાધના વિદ્યાલયના વ્યવસ્થાપકમંડળે શાળામાં શિક્ષક તરીકે જોડાવા એમને સામેથી કોલ મોકલ્યો અને એઓ એમાં શિક્ષક તરીકે જોડાયા. ભરૂચ જેવી સાવ અજાણી જગાએ કોઈ પરિચિત નહિ પરંતુ મોક્ષદાયિની માતા નર્મદાનાં દર્શન શાળાનાં પટાંગણમાંથી સતત થતાં રહે. એમણે શિક્ષણકાર્ય ને જીવનના પ્રથમ કર્તવ્ય તરીકે સ્વીકાર્યું અને આજીવન શિક્ષક બની રહ્યા. લગભગ ૨૨ વર્ષ એકધાર્યા એ શાળામાં શિક્ષણકાર્યમાં વિતાવ્યાં. ભરૂચમાંજ ભૂકંપમાં પડી ગયેલી શાળાનું સ્થળાંતર કરી એને અન્ય જગાએ ઊભી કરી. પૂજ્ય મોરારિ બાપુએ એનું ખાતમૂહર્ત પણ કર્યું હતું અને એનું ઉદ્ઘાટન પણ પૂજ્ય બાપુએ કર્યું હતું જેમાં આજે ૧૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમના હૃદયમાં સમભાવ, અનુગ્રહ અને અત્યંત અનુકંપા છે એવા અભેસિંહભાઈએ કોઈપણ નવા વિદ્યાર્થીને દાખલ કરવાનો એક જ નિયમ રાખ્યો છે કે એ બાળક ગરીબ હોવો જોઈએ. વહેલી સવારે શાળાનો દરવાજો ખોલવાથી લઈને સતત સક્રિય એવા અભેસિંહભાઈ શાળાસંચાલન ઉપરાંત મેઘાણીજીના પૌત્ર શ્રી પીનાકીભાઈ સંચાલિત મેઘાણી સ્મૃતિ સંસ્થાન સાથે સક્રીયતાથી જોડાઈને મેઘાણીજીના સાહિત્યને સુલભતાથી ઉપલબ્ધ કરાવવાનું એક મિશન લઈને બેઠા છે. એમના સમસ્ત જીવન દરમ્યાન જ્યાંજ્યાં અને જેટલાં કાર્યક્રમો કર્યા છે ત્યાં સવિશેષ મેઘાણીના રચેલા ગીતો જ ગાયા છે એટલે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે રાષ્ટ્રીય શાયરને અભેસિંહભાઈએ લોકસ્મૃતિમાંથી સ્મરણશેષ થવા દીધા નથી. અભેસિંહ રાઠોડ એટલે ગુજરાતી લોકકલા અને લોકસંગીતના મોખરાના કલામર્મી છે.


