ગૌ આધારિત અર્થ વ્યવસ્થાને મુખ્ય પ્રવાહમાં લાવવા સમયની માંગ છે : ડો.કથીરિયા
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા ભારત સરકારના પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ નવા વર્ષ 2026ના આરંભે દેશવાસીઓને ગૌ સેવા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને રાષ્ટ્રીય ચળવળ બનાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે.
ડૉ. કથીરિયાએ જણાવ્યું હતું કે, “નવું વર્ષ 2026 માત્ર કૅલેન્ડર બદલાવ નથી, પરંતુ ભારતના ગ્રામિણ પુનરુત્થાન, પર્યાવરણ સંરક્ષણ અને સાંસ્કૃતિક જાગૃતિ માટે નવી દિશા નક્કી કરવાનો અવસર છે. ગૌ માતા ભારતની કૃષિ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે અને તે ગ્રામિણ રોજગાર, પોષણ, આરોગ્ય તથા પ્રાકૃતિક સંતુલન માટે અનિવાર્ય છે.” તેમણે આ અવસરે જણાવ્યું કે GCCI દ્વારા વર્ષ 2026ને “ગૌ આધારિત અર્થવ્યવસ્થાના ઉત્થાન વર્ષ” તરીકે ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ દેશભરમાં ગૌ આધારિત ઉદ્યોગો, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો-એનર્જી, ડેરી નવાચાર તથા ગ્રામિણ ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમો, અભિયાન અને જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
ડૉ. કથીરિયાએ વધુમાં જણાવ્યુ કે, એક મહાન, ગૌરવશાળી અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગૌ આધારિત અર્થવ્યવસ્થાને મુખ્ય પ્રવાહમાં લાવવી સમયની માંગ છે. ગૌ માત્ર આસ્થાનો વિષય નહીં, પરંતુ સાશ્વત વિકાસ, પર્યાવરણ સુરક્ષા અને સામાજિક સમૃદ્ધિનો વૈજ્ઞાનિક આધારસ્તંભ છે. ગૌ આધારિત ઉદ્યોગો અંગે તેમણે જણાવ્યું કે ડેરી, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય ઉત્પાદનો, જૈવિક ખાતર, આરોગ્ય અને પોષણ ઉત્પાદનો તથા બાયો-એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશાળ રોજગારની તકો છે. આ ક્ષેત્રો દ્વારા યુવાનો, મહિલાઓ અને ગ્રામિણ ઉદ્યોગકારો માટે આત્મનિર્ભરતા અને આવકના નવા સ્ત્રોતો ઊભરી રહ્યા છે. તેમણે તમામ રાજ્યો, સામાજિક સંસ્થાઓ, ગૌશાળાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને ગૌ સંરક્ષણ અને સંભાળ માટેની વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું છે.
શિક્ષણ ક્ષેત્ર અંગે ડૉ. કથીરિયાએ જણાવ્યું કે, કામધેનુ ચેરના માધ્યમથી શૈક્ષણિક સંસ્થાઓ ગૌ વિજ્ઞાન, ગૌ આધારિત અર્થતંત્ર, પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ સાથે જોડાયેલા વિષયો અભ્યાસક્રમમાં સામેલ કરી યુવાનોમાં વૈજ્ઞાનિક તથા વ્યવહારુ સમજ વિકસાવવા આગળ આવવા અનુરોધ કર્યો હતો.


