લોકોને પં.મંગલપ્રસાદજીનું દુક્કડ વાદ્ય માણવાનો લ્હાવો મળ્યો
નિઓ રાજકોટ ફાઉન્ડેશન આયોજીત સાત દિવસીય શાસ્ત્રીય સંગીત અને કલા આધારીત કલાપર્વ સપ્ત સંગીતિ-૨૦૨૬ના પ્રથમ દિવસે પંડિત રાજેન્દ્ર પ્રસન્નાનાજીની બાંસુરી વાદનની પ્રસ્તુતી સંગીતરસિકોના આત્માને સ્પર્શતી એક આધ્યાત્મિક યાત્રા સમાન અનુભવ કરાવ્યો હતો. તેમની બાંસુરીમાંથી વહેતા સ્વરો એ જાણે પ્રાણવાયુ બનીને શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કર્યો હતો. શ્વાસના નિયંત્રિત પ્રવાહ સાથે વહેતા બાંસુરીના સૂરોમાં શાસ્ત્રીય પરંપરાનું ગૌરવ ઝલકતું હતું. કાર્યક્રમની શરુઆત પ્રથમ દિવસના પેટ્રન ઓમનીટેક એન્જિનિયરિંગ પરિવારના ઉદયભાઈ પારેખના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો.
બનારસ ઘરાનાની સમૃદ્ધ પરંપરા અને સંગીતમય વારસાને ઉજાગર કરતી એક અલૌકિક ક્ષણ તરીકે પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીના બાંસુરી અને શહેનાઈના સુરો સાથે સંગીતપર્વની શુભ શરૂઆત થવી એ પોતે જ એક શુભ સંકેત સમાન છે. કાર્યક્રમના પ્રથમ ચરણમાં પંડિત રાજેન્દ્ર પ્રસન્નાનાજીના બાંસુરીવાદનથી થઈ હતી. જેમા તેમણે પ્રથમ ખમાજ થાટનો રાગ ગોરખ કલ્યાણ વિલંબીત એકતાલમાં પ્રસ્તુત કર્યો હતો. આ રજૂઆતથી તેમણે સાંજના અંધકારભર્યા શાંત આકાશમાં દીપ્તિમાન દીવો પ્રગટાવ્યો હોય તેવી અનુભુતી થઈ હતી. મંદ સપ્તકથી તાર સપ્તક સુધીના સ્વરોની સૌમ્ય યાત્રા, વિસ્તૃત આલાપમાં અને વિલંબિત લયમાં બાંસુરીવાદન અદભુત લાગતું હતું. ત્યારબાદ રાગ પહાડી અને ’હરી ગુન ગાકે” ભજન તેમણે પોતાના કંઠે બાંસુરીના સુરમાં પરોવી પેશ કર્યું હતું.
પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીની બાંસુરી પ્રસ્તુતી સાથે જ્યારે તેમના સુપુત્ર પં. રાજેશ પ્રસન્નાજી બાંસુરીમાં જોડાય છે, ત્યારે મંચ પર ગુરુ–શિષ્ય પરંપરાની જીવંત સાધના સાકાર થાય છે. જાણે એક જ શ્વાસમાંથી બે સ્વરો જન્મે છે જેમાં એકમાં અનુભવની ગાંભીર્યતા, તો બીજામાં યુવાનીની ચેતન તાજગીનો અનુભવ થાય છે. બંને બાંસુરીઓના સંવાદમાં સ્વરો એકબીજાને પ્રતિબિંબિત કરતા નથી, પરંતુ પરસ્પર પૂરક બનીને સંગીતને પૂર્ણતા આપતા હતા. પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીની પરિપક્વ મીંડ અને સૂક્ષ્મ અલંકારોમાં શાસ્ત્રીયસંગીતનું શિખર અને પં. રાજેશ પ્રસન્નાજીના સ્વરોમાં લયબદ્ધતા અને નિર્ભય પ્રયોગોની સુગંધ અનુભુતિનો અહેસાસ થતો હતો.
આ સ્વરયાત્રાને અભિષેક શર્માના તબલાવાદનનો મજબૂત આધાર મળ્યો. તેમના હાથોમાંથી વહેતા બોલો માત્ર તાલ પૂરતા સીમિત ન રહ્યા, પરંતુ બાંસુરીના સ્વરો સાથે સંવાદ કરતા સંવેદનશીલ સહયાત્રી બની ગયા હતા. વિલંબિત લયમાં તેમની નાજુક થાપ અને મધ્યલયમાં સંતુલિત લયકારી અને દ્રુત લયમાં ઉદભવતી ચપળ બોલબાંધણી સમગ્ર પ્રસ્તુતીને ઉર્જાથી ભરી દીધી હતી. બાંસુરીના સ્વરો અને તબલાના તાલ વચ્ચે સર્જાતી આ ત્રિવેણી સંગમ જેવી પ્રસ્તુતીમાં ભાવ, બંધારણ અને અભિવ્યક્તિનો અનોખો મેળ જોવા મળ્યો. મંચ પરથી વહેતી સંગીતધારા શ્રોતાઓને માત્ર સાંભળવાનો અનુભવ નથી આપતી, પરંતુ તેમને શાસ્ત્રીય સંગીતની આધ્યાત્મિક ઊંચાઈ સુધી લઈ જાય છે, જ્યાં સ્વર, લય અને મૌન ત્રણે એકરૂપ બની જાય છે.
કાર્યક્રમના બીજા ચરણમાં પંડિત રાજેન્દ્રપ્રસન્નાજીનું શરણાઈવાદન ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા, અખંડ સાધના અને ઊંડા ભાવોની અનોખી અભિવ્યક્તિરૂપે પ્રગટ થયું હતું.
સપ્તસંગીતિના ઈતિહાસમાં પ્રથમવાર મ્યુનિસિપલ સ્કૂલની આઠ બાળાઓએ નિઓરાજકોટના સંગીત શિક્ષકોના માર્ગદર્શનમાં શીખેલ સમૂહ પ્રાર્થનાગીતથી ઉત્સવની શરૂઆત કરી, જેમાં સરોજીની નાયડુ ગલ્સ હાઇસ્કૂલની બાળાઓને સપ્ત સંગીતિના શિક્ષકોએ વાદ્યો પર સાથ આપી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રસ્તુતિ થકી દિગ્ગજ ક્લાકારોના આશિર્વાદ મેળવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની સ્કૂલોના ૫૦૦ થી વધુ બાળકોને શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને વાદ્યોની તાલીમ નિ:શુલ્ક સંસ્થાના નિષ્ણાત શિક્ષકો દ્વારા તેમની શાળામાં જઈને આપવામાં આવી રહી છે.
પં. રાજેન્દ્ર પ્રસન્નાજી એ રાજકોટના ઉભરતા બાંસુરીવાદકોને અમૂલ્ય સુચનો આપ્યા
પંડિત રાજેન્દ્ર પ્રસન્નનાજી કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સ્ટુડન્ટ મીટ અપ માં રાજકોટના ૩૦ થી વધુ બાંસુરી વાદન શીખતા વિદ્યાર્થીઓને પોતાનું માર્ગદર્શન અને અમૂલ્ય સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે દરેક બાંસુરી વાદકોએ બાંસુરી સાથે ગાયનની પણ તાલીમ લેવી જરૂરી છે, કારણ કે ગાયનની શૈલીને જાણી પોતાના બાંસુરીવાદનમાં ગાયન શૈલીનું અંગ કેવી રીતે પ્રસ્તુત કરી શકે તેની સમજ પ્રાપ્ત થાય છે. તેના થકી વાદકોના બાંસુરીવાદનમાં ચમત્કૃતિ અને પોતાની આગવી શૈલી આકાર લેશે તે બાબત પંડિતજી એ પોતે ગાયન સાથે બાંસુરીવાદન પ્રસ્તુત કરીને સમજાવ્યું હતું. તેમણે દરેક વિદ્યાર્થીઓને રિયાઝ માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ગરેકને પોતાના સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલ તબલા, બાંસુરી અને તાનપુરાનો ટ્રેક આપી વાદન ની ટીપ્સ આપી હતી.


