રાજયમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની કવાયત તેજ બની
ફેબ્રુઆરીના અંતથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વહિવટદારોના હાથમાં
છ મનપા, 3૦ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા અને ૨૫૦ તાલુકા પંચાયતની મુદત ફેબ્રુઆરીમાં થશે પૂર્ણ : રાજયના ચૂંટણી આયોગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાઇ : અધિકારીઓના હાથમાં સોંપાશે શાસન
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિકમ સ્વરાજયની ચૂંટણીની પ્રક્રિયાઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. રાજકોટ સહિતની સંસ્થાઓમાં ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થશે અને વહિવટદારોનું શાસન લગાવવામાં આવશે. સરકાર આયોગની સાથે રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે.
રાજ્યની રાજકીય દિશા નક્કી કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી ફેબ્રુઆરીના અંત સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાઓ સહિત 30 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકાઓ તથા અંદાજે 250 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવા જઇ રહી છે. મુદ્દત પૂરી થતાં જ આ તમામ સંસ્થાઓમાં ચૂંટાયેલા શાસનનું સ્થાન વહીવટદારો લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરીના અંતથી આ તમામ સંસ્થાઓ વહીવટી તંત્રના હાથમાં જશે. મહાનગરપાલિકાઓમાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપાશે. જ્યારે જિલ્લા પંચાયતોમાં આઈએએસ કેડરના અધિકારીઓ નિયુક્ત કરાશે. નગરપાલિકાઓમાં ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદારને તથા તાલુકા પંચાયતોમાં ટીડીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવશે. આ વ્યવસ્થા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી યથાવત રહેશે. રાજ્ય ચૂંટણી આયોગે પણ અંદરખાને તૈયારીઓ આરંભી દીધી છે.
14 ફેબ્રુઆરીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થવાની છે. આ યાદી આધારે રાજ્ય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતવિસ્તાર, વોર્ડરચના અને મતદાન કેન્દ્રોની ગોઠવણી કરશે. માર્ચ મહિના દરમિયાન મતદાર મંડળોની અંતિમ રચના પૂરી કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણીનું ઔપચારિક એલાન થઈ શકે છે. ત્યારબાદ મે મહિનાના મધ્ય ભાગમાં મતદાન યોજાય તેવી પૂરી સંભાવના છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેના પરિણામો આવનારી વિધાનસભાની ચૂંટણી પર સીધી અસર પાડતા હોય છે.
નવ રચિત મહાનગરપાલિકાઓમાં હાલમાં જ વહીવટદારો કાર્યરત છે. બનાસકાંઠા તથા નવી રચાયેલ વાવ-થરાદ જિલ્લા પંચાયતોમાં પણ ચૂંટાયેલ બોડી નથી, તેથી ત્યાં પહેલેથી વહીવટી શાસન ચાલે છે. ફેબ્રુઆરી બાદ સમગ્ર રાજ્યમાં આવી સ્થિતિ વ્યાપક બનશે. રાજકીય પક્ષોએ પણ અંદરખાને ઉમેદવારોની પસંદગી, સંગઠન મજબૂત કરવું અને મતદારો સુધી પહોંચવાની રણનીતિ ઘડવાનું કામ શરૂ કરી દીધું છે. ગામડાંથી લઈને મહાનગરો સુધી રાજકીય ગરમાવો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે.
કુલ 15 મહાનગરપાલિકાઓ (નવ નવી + છ જૂની)ની ચૂંટણી યોજાશે, જે 68 વિધાનસભા બેઠકોને સીધી અસર કરશે. 32 જિલ્લા પંચાયતો (એક નવી અને 31 જૂની) માટેનું મતદાન 104 વિધાનસભા ક્ષેત્રોને અસર કરશે. 249 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ અંદાજે 104 બેઠકોના રાજકીય સમીકરણ બદલી શકે છે. 80 નગરપાલિકાઓના પરિણામો 74 વિધાનસભા બેઠકો પર અસરકારક સાબિત થશે. આ રીતે રાજ્યની 182માંથી 170થી વધુ વિધાનસભા બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળશે, તેથી તમામ રાજકીય પક્ષો માટે આ ચૂંટણી અત્યંત મહત્વની બની રહી છે.
OBC બેઠકો ઝડપથી નક્કી કરવા કવાયત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલથી મહિના સુધી યોજવા માટે સરકારી તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. નગરપાલિકા-મહાનગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોની મોટાપાયે યોજાનારી ચૂંટણીઓમાં કુલ લગભગ 12 હજાર જેટલી બેઠકો ઉપર 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નક્કી કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સમર્પિત આયોગમાં સિનિયર અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ બી.એન. કારિયાના અધ્યક્ષ સથાને અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે રચાયેલા સમર્પિત આયોગની પુનઃ રચના કરવામાં આવેલી છે. તેમાં નિવૃત સંયુક્ત સચિવ કે. એસ. પ્રજાપતિની 15 જાન્યુઆરીએ નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ સમયાંતરે વિવિધ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી રહી છે. જેમાં એસસી-એસટી, ઓબીસી અને મહિલાઓને 50 ટકા અનામતનો સમાવેશ થાય છે. હજ્જારો બેઠકો ઉપર અનામત ટકાવારી પ્રમાણે બેઠકોની ફાળવણી કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ હોવાથી તેમાં સિનિયર અધિકારીની નિમણૂક કરી આ કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરી ચૂંટણીઓની જાહેરાત કરવા ચૂંટણી પંચ આગળ વધી રહ્યું છે.
ફેબ્રુઆરીથી વસતી ગણતરીનો બીજો તબક્કો
રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે.વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે. કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે.
ગુજરાતમાં વસતી ગણતરીને લઇને નિયમો અને વિગતો સામે આવી છે. રાજ્યમાં બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘર યાદી અને મકાન યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ કરવામાં આવશે. વસતી ગણતરી કરનારા કર્મચારીઓ કામગીરી માટે પોતાનો જ મોબાઈલ વાપરશે.
કર્મચારીઓ અને અધિકારીઓેને તબક્કાવાર નિશ્ચિત માનદ વેતન ચકવવામાં આવશે. રાજ્ય વસ્તિ ગણતરી નિયામક દ્વારા વસ્તી ગણતરી માટે સ્ટાફ, તાલીમ અને જરૂરી સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે.વસતીગણતરી કરનારા કર્મચારીઓેને તાલીમ આપવામાં આવશે, આ ઉપરાંત ટેકનિકલ સહાય પણ પૂરી પાડવામાં આવશે.


