– પેપર શેર રાખવા માટે રોકાણકાર પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ શેર અન્ય કોઈને આપતી વખતે તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાના રહેશે
– નોંધાયેલ કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા અનલિસ્ટેડ ખાનગી કંપનીઓની
Updated: Oct 31st, 2023
નવી દિલ્હી : સરકારે તમામ ખાનગી કંપનીઓના શેરને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં ફરજિયાતપણે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલથી નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને મોનિટરિંગમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ખાનગી કંપનીઓ દ્વારા શેર ઈશ્યુ કરવા અંગે ૨૭ ઓક્ટોબરના સુધારામાં કંપનીઝ (પ્રોસ્પેક્ટસ અને એલોટમેન્ટ ઓફ સિક્યોરિટીઝ) રેગ્યુલેશન્સમાં નવી કલમ દાખલ કરી છે. નાની કંપનીઓ સિવાય તમામ ખાનગી કંપનીઓએ પેટા-નિયમ ૨ હેઠળ નિર્ધારિત સમયગાળાની અંદર માત્ર ડીમેટ ફોર્મમાં જ શેર જારી કરવાના રહેશે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે ડિપોઝિટરીઝ એક્ટ ૧૯૯૬ ની જોગવાઈઓ હેઠળ, તમામ સિક્યોરિટીઝને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની સુવિધાઓ પ્રદાન કરવી પડશે. જો કોઈ ખાનગી કંપની નાણાકીય વર્ષના છેલ્લા દિવસે એટલે કે ૩૧મી માર્ચ ૨૦૨૩ના રોજ અથવા તે પછીના નાણાકીય વર્ષના ઓડિટેડ નાણાકીય પરિણામો મુજબ નાની કંપની ન હોય, તો તેણે આગામી ૧૮ની અંદર આ નિયમની જોગવાઈઓનું પાલન કરવું પડશે.
જે કંપનીઓની ઇક્વિટી મૂડી રૂ. ૪ કરોડથી ઓછી છે અને કુલ ટર્નઓવર રૂ. ૪૦ કરોડથી ઓછું છે, તેમને નાની ખાનગી કંપનીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જો કોઈ કંપની ન તો હોલ્ડિંગ કંપની છે કે ન તો સબસિડિયરી કંપની તો તેને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.
ખાનગી કંપનીઓની કેટલીક શ્રેણીઓના શેરને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની કોર્પોરેટ બાબતોના મંત્રાલયની આ પહેલ નાણાકીય બજારોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં વ્યાપાર કરવાની સરળતા વધારવા ઉપરાંત, આ ભૌતિક શેરોમાં વ્યવહારો દરમિયાન અપ્રમાણિકતાને રોકવામાં પણ મદદ કરશે.
હાલમાં, માત્ર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નિયંત્રિત લિસ્ટેડ કંપનીઓએ તેમના શેર ડીમેટ કરવા જરૂરી છે. પેપર શેર રાખવા માટે રોકાણકાર માટે કોઈ પ્રતિબંધ નથી પરંતુ શેર અન્ય કોઈને આપતી વખતે તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાના રહેશે.
તેવી જ રીતે, અનલિસ્ટેડ જાહેર કંપનીઓએ પણ રાઇટ શેરની પુન:ખરીદી, બોનસ અથવા ઇશ્યુ કરવા માટે તેમના શેર ડીમેટ કરવા પડશે.
નોંધાયેલ કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા અનલિસ્ટેડ ખાનગી કંપનીઓ છે. જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં નોંધાયેલી લગભગ ૧૪ લાખ કંપનીઓ અથવા ૯૫ ટકા સક્રિય નોંધાયેલી કંપનીઓ ખાનગી કંપનીઓ હતી. આ સિવાય નાની કંપનીઓની શ્રેણીમાં લગભગ ૫૦,૦૦૦ કંપનીઓ હાજર રહી હતી.