પરશોત્તમ સોલંકી સહિત છ કર્મચારીઓ સામે કેસ દાખલ થયો હતો : ૪૦૦ કરોડના કૌભાંડના આક્ષેપ છે
રાજકારણના આંતર પ્રવાહોની અસર નેતાઓ પર ગમે ત્યારે થઇ શકે છે. નાફેડની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરૂધ્ધ ચેરમેન પદે બિરાજમાન થયેલા દિલીપ સંઘાણી સામે ૧૬ વર્ષ જૂના માછીમાર કોન્ટ્રાકટ કૌભાંડનો કેસ ચાલશે તેવા નિર્દેશો મળે છે. વર્ષ ૨૦૦૮માં ટેન્ડર બહાર પાડયા વગર જ ગુજરાતમાં ૫૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાકટ મળતિયાઓને આપી દેવાતા રૂ.૪૦૦ કરોડની ગેરરીતિના કૌભાંડમાં હવે ૧૬ વર્ષે રાજયના તત્કાલિન અને કૃષિ અને ફીશરીઝ મંત્રી દિલીપ સંઘાણી અને રાજય કક્ષાના મંત્રી પુરૂષોત્તમ સોલંકી સામે કેસ ચાલશે. આ કેસમાંથી બચવા માટે બંને મંત્રીઓએ અનેક કાયદાકીય દાવપેચ રમ્યા છે. રાજય સરકારે તેમને બચાવવા શકય તમામ મદદ કરી છે પણ હવે સત્ય છાપરે ચડી પોકારી રહ્યું હોવાની લાગણી ઉભી થઇ છે.
રાજય સરકારે ૨૦૦૪માં જળાશયો, નદીમાં ફીશીંગ કરવા માટેના કોન્ટ્રાકટ માત્ર ટેન્ડરથી જ આપવા માટેનો નિર્ણય લઇ તેનો પરિપત્ર બહાર પાડયો હતો. પરંતુ ૨૦૦૮માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને રાજયકક્ષાના મંત્રી સોલંકીએ બારોબાર ૫૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાકટ પોતાના માનીતા લોકોને આપી દીધા હતા.
આ કૌભાંડની ગંધ આવતા પાલનપુરના ઇશાક મારડિયાએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરેલો. આ કૌભાંડના કોન્ટ્રાકટ ટેન્ડરની પ્રક્રિયા વગર હોવાથી રદ થયેલા પરંતુ મંત્રીઓ સામે કોઇ કાર્યવાહી થઇ નથી. ૨૦૧૨માં મારડિયાએ બંને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઇએ, કેસ દાખલ થવો જોઇએ એવી માંગ કરી હતી. જો કે રાજયના મંત્રીમંડળે સંઘાણી અને સોલંકી સામે ફરિયાદ અને કેસ દાખલ નહી કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના ગવર્નર કમલા બેનિવાલે કેબિનેટની ઉપરવટ જઇ બંને મંત્રીઓ સામે તપાસ કરવાની મંજૂરી આપી હતી અને એસીબીએ તપાસ શરૂ કરી હતી.
એસીબીએ પોતાની તપાસમાં 3૫૧ પાનાનો અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલમાં સોલંકીને કલીન ચીટ મળેલી પરંતુ તેમણે સરકારી અધિકારીઓને આ મળતિયાને કોન્ટ્રાકટ આપવા સમજાવ્યા હોવાનું અને એક નોંધ પણ લખી હતી. આ નોંધમાં એવી મીટિંગનો ઉલ્લેખ છે જે કયારેય મળી નથી.
એસીબીના અહેવાલમાં એવી પણ નોંધ હોવાનું જાણવા મળે છે કે ટેન્ડર બહાર નહીં પાડી, માત્ર એક નિયતભાવે આ ૫૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યા હતા. અહેવાલ આ પધ્ધતિમાં અને માછીમારીના કોન્ટ્રાકટ આપવામાં ગેરરીતિ થઇ હોવાનું પણ સ્વીકારે છે આ અહેવાલના આધારે ગાંધીનગર સ્પેશ્યલ કોર્ટે બંને મંત્રી અને લગભગ છ જેટલા સરકારી નોકરિયાતો સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ અને તપાસ અટકે એ માટે મંત્રીઓએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી એક અરજી ૨૦૧૮માં નામંજૂર થયેલી. પછી બંને મંત્રીઓએ તેમની સામેની ફરિયાદ અને કેસની સુનાવણી અટકાવી દેવા માટે કરેલી અરજી પણ થોડા દિવસ પહેલા હાઇકોર્ટે નામંજૂર કરી છે. એટલે હવે ૧૬ વર્ષે આ કૌભાંડ ફરી સંઘાણી અને સોલંકીની રાજકીય કારકિર્દીને ડામાડોળ કરે તેવી શકયતા છે.


