- જાનમાલને નુકસાનના હજી કોઈ અહેવાલ નથી
- ચાર દિવસ પહેલાંના ભૂકંપમાં 4,000નાં મોત થયાં હતાં
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ
અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે ફરી ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. ભૂકંપ કેન્દ્ર બિંદુ વાયવ્ય અફઘાનિસ્તાનમાં હેરાત શહેર નજીક જમીનના પેટાળમાં 10 કિ.મી. ઊંડે નોંધાયું હતું. સવારે 5.22ના સુમારે ધરતીકંપનો આંચકો અનુભવાયો ત્યારે લોકો નીંદર લઈ રહ્યા હતા. હેરાત શહેર સહિતના વિસ્તારોમાં ટેન્ટમાં સૂઈ રહેલા લોકોમાં પણ ગભરાટની લાગણી ફેલાઈ હતી. ઘરની અંદર સૂઈ રહેલા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.
હોટલમાં રોકાણ કરી રહેલા ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકારોએ પણ ઇમારત ધ્રૂજી હોવાનો અહેસાસ કર્યો હતો. હોટલમાં રોકાયેલા લોકો પણ ઇમારત બહાર દોડી આવ્યા હતા. ઇમારતો પરનો કોંક્રિટ તૂટીને નીચે પડવા લાગ્યો હતો.
બુધવારે આવેલા ભૂકંપના આંચકાથી જાનમાલને થયેલા નુકસાન અંગે હજી કોઈ અહેવાલ નથી. આ પહેલાં પણ શનિવારે અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. ભૂકંપના તે આંચકાએ દેશમાં ચાર હજાર લોકોનો ભોગ લીધો હતો.વીસ ગામના બે હજારથી વધુ મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. ચાર દિવસના સમયગાળામાં આવેલા ભૂકંપના બે શક્તિશાળી આંચકાએ ભારે તારાજી સર્જી છે. માટીના કાચા મકાનો ધરાશાયી થયા હતા.તે પછી પણ સાત જેટલા આફ્ટરશોક અનુભવાયા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવીય બાબતોના કાર્યાલયે ભૂકંપથી પહોંચેલા અફઘાનિસ્તાનને મદદ કરવા 50 લાખ ડોલરની મદદ કરી છે. અફઘાનિસ્તાનની આરોગ્ય સેવા સિસ્ટમ મોટેભાગે વિદેશી સહાય પર નિર્ભર છે.
તાલિબાને સત્તા સંભાળ્યા પછી અનેક આંતરરાષ્ટ્રીય સહાય અટકી ગયેલી હોવાથી આરોગ્ય ખર્ચમાં મોટો કાપ મૂકવાની ફરજ પડેલી છે.