- બેલ્જિયમ કોર્ટે નશામાં ડ્રાઇવિંગના આરોપમાંથી એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો
- 40 વર્ષીય વ્યક્તિએ કોર્ટમાં સાબિત કર્યું કે તેને એક દુર્લભ બીમારી છે
- તે ‘ઓટો બ્રેવરી સિન્ડ્રોમ’નો દર્દી છે અને તેના પેટની અંદર આલ્કોહોલ ઉત્પન્ન થાય છે
બેલ્જિયમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોર્ટે નશામાં ડ્રાઇવિંગના આરોપમાંથી એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. શા માટે ખબર છે? કારણ કે વ્યક્તિએ આલ્કોહોલ પીધો ન હતો પરંતુ તેનું શરીર પોતે જ આલ્કોહોલ ઉત્પન્ન કરે છે. તમને આ જાણીને આઘત લાગશે પરંતુ આ સત્ય હકિકત છે. 40 વર્ષીય વ્યક્તિએ કોર્ટમાં સાબિત કર્યું કે તેને એક દુર્લભ બીમારી છે. તે ‘ઓટો બ્રેવરી સિન્ડ્રોમ’ (ABS) નો દર્દી છે. આ એક એવો રોગ છે જેમાં પેટની અંદર આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. આ આલ્કોહોલ લોહીમાં ભળી જાય છે જેના કારણે વ્યક્તિને નશો લાગે છે. આ સમાચારે બેલ્જિયમ મીડિયામાં હલચલ મચાવી દીધી છે. આ વ્યક્તિના વકીલ એન્સે ગેશક્વિયરે કહ્યું કે અત્યાર સુધીમાં આખી દુનિયામાં માત્ર 20 લોકોમાં આ રોગની પુષ્ટિ થઈ છે. ગેશક્વિયરે તેના ક્લાયન્ટની ઓળખ જાહેર કરી ન હતી. તેણે કહ્યું હતું કે પરીક્ષણો બાદ ડોકટરોએ પુરાવા આપ્યા કે તેનો ક્લાયંટ ABSથી પીડિત હતો.
શું આલ્કોહોલ શરીરમાં ઉત્પન્ન થાય છે?
બેલ્જિયમ પોલીસે એપ્રિલ 2022માં આ વ્યક્તિની કારને રોકી હતી. બ્રેથલાઈઝર ટેસ્ટ દર્શાવે છે કે તે આલ્કોહોલના પ્રભાવ હેઠળ હતો. શ્વાસના લિટર દીઠ 0.91 મિલિગ્રામ આલ્કોહોલ મળી આવ્યો હતો. એક મહિના બાદ પરીક્ષણમાં તેના શ્વાસમાં 0.71 મિલિગ્રામ આલ્કોહોલ જોવા મળ્યો હતો. બેલ્જિયમમાં દારૂની કાનૂની મર્યાદા 0.22 મિલિગ્રામ છે. આ પહેલા 2019માં પણ આ વ્યક્તિ ઝડપાયો હતો. ત્યારબાદ દંડની સાથે તેનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે દારૂ પીધો નથી. કદાચ તેને પણ ખબર ન હતી કે તે આવા દુર્લભ રોગનો દર્દી છે. 2022માં જ્યારે તેની સામે કેસ શરૂ થયો ત્યારે મેડિકલ તપાસમાં આ વાત સામે આવી હતી.
ઓટો-બ્રુઅરી સિન્ડ્રોમ શું છે?
ઓટો-બ્રુઅરી સિન્ડ્રોમ અથવા એબીએસ એ ખૂબ જ દુર્લભ તબીબી સ્થિતિ છે. આને કારણે કાર્બોહાઇડ્રેટ્સનું આથો પીડિત વ્યક્તિના પેટમાં થાય છે જે ઇથેનોલ ઉત્પન્ન કરે છે. આ ઇથેનોલ નાના આંતરડામાં શોષાય છે. જ્યારે લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધે છે ત્યારે નશો થાય છે.
ગેશક્વિયર જણાવ્યું કે તેનો ક્લાયંટ લો કાર્બોહાઇડ્રેટ ખોરાક લે છે જેથી પેટમાં ઓછું આલ્કોહોલ ઉત્પન્ન થાય. તેમની મુક્તિનો ઔપચારિક આદેશ હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી. જો પોલીસ ઈચ્છે તો એક મહિનામાં નિર્ણય સામે અપીલ કરી શકે છે.


