પકડાયેલા શખ્સો પાસેથી રૂ.૧૧.૬૫ લાખની રોકડ અને મોબાઇલ ફોન જપ્ત
વિશ્વના કોઇપણ ખુણે ક્રિકેટ મેચ રમાત હોય, પછી તે ઇન્ટરનેશનલ હોય, ડોમેસ્ટિક હોય કે પછી અન્ય ટૂર્નામેન્ટ, રાજકોટ સટ્ટાનું હબ બનતુ જાય છે. સટ્ટાનું વધુ એક મોટુ નેટવર્ક ગઇકાલે રાત્રે પકડાયુ હતુ. ક્રાઇમ બ્રાન્ચે એકસાથે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. એસ્ટ્રોન ચોક, હનુમાનમઢી ચોક અને નવાગામ કુવાડવા ખાતે છાપો મારી ગઇકાલે રાત્રે જ ત્રણ બુકીને ઉપાડી લીધા હતા. તેની પાસેથી રૂ.૧૧ લાખ ૬૫ હજારની રોકડ મળી આવી છે.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહીલને એવી સચોટ બાતમી મળી હતી કે, હનુમાનમઢી ચોકમાં એક બુકી અન્ય પેટા બુકી પટંરોને ક્રિકેટનો સટ્ટો રમવા અને રમાડવા માટે આઇ.ડી. આપે છે. આ બાતમી મળી એ જ સમયે પી.એસ.આઇ. એ.એસ.ગરગરની સુચનાથી હેડ કોન્સ્ટેબલ જનકસિંહ ગોહિલ તથા અનિલભાઇ સોનારા તેમજ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા એક ખાનગી વાહનમાં લેપટોપ અને જરૂરી સાધનો સાથે પેટ્રોલીંગમાં નીકળી વોચમાં ગોઠવાયા હતા. એ જ દરમિયાન રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં ગણેશ સ્કુલ પાસે મળેલી બાતમી મુજબ કાળા કલરનો આખી બાયનો શર્ટ અને બ્લ્યુ પેન્ટ પહેરેલો શખ્સને પકડીને તેની તલાસી લેતા તેની પાસેથી મોબાઇલ ફોન કબજે કરાયો હતો. ફોન ચકાસવામા આવતા તેમા ક્રિકેટ સટ્ટા માટેની માસ્ટર આઇ.ડી. ઇન્સ્ટોલ કરેલી હતી અને તેના દ્વારા અન્ય ગ્રાહકોને રમવાની માટેની આઇ.ડી. આપવામા આવેલી હતી.