- રાજદીપસિંહ વાળાના રિમાન્ડ દરમિયાન થયો ખુલાસો
- 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવાયું
- 500 લીટર સિરપમાંથી 1200થી 1300 બોટલ તૈયાર કરતા
રાજ્યમાં હાલમાં ચર્ચામાં આવેલા બહુચર્ચિત સિરપકાંડમાં કેવી રીતે સિરપ બનાવવામાં આવી તેના અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. નડિયાદના બિલોદરામાં કથિત લઠ્ઠાકાંડમાં સાત વ્યકિતઓના મૃત્યુ થયા બાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઇ હતી. આ કેસના સાત આરોપી પૈકી છ આરોપી જેલમાં ધકેલી દેવાયા છે.
આ મામલે હાલ નશીલી સિરપ બનાવનાર રાજદિપસિંહ વાળાના તા. 18 મીએ સુધી રિમાન્ડ પર છે. આ રિમાન્ડ દરમિયાન રાજદિપે યોગેશની ફેકટરીમાં નશીલી સિરપ બનાવવા થી માંડીને વેચવા સુધીની પોલીસ સમક્ષ કેફિયત કરી હતી.500 લીટર નશીલી સિરપ બનાવવા માટે 50 લિટર કેમિકલ સહિત અન્ય પ્રવાહી મિશ્રાણ કરીને નશીલી સિરપ તૈયાર કરતો હતો. જેમાંથી 1200 થી 1300 બોટલ નશીલી સિરપની ભરાતી હતી.
નડિયાદ એસ.ટી નગર નજીક રહેતો યોગેશ પારૂપલ સિંધી મહેમદાવાદ પર આવેલ મોકમપુરા પાસે ફેકટરીમાં નશીલી સિરપ બનાવતો હતો. આ સિરપ લાયસન્સ વિના બનાવતો હતો. યોગેશે આ ફેકટરીમાં છેલ્લા દોઢ વર્ષ થી નશાયુકત સિરપ બનાવવા માટે રાજકોટના રાજદિપસિંહ વાળાને તગડો પગાર આપીને નોકરીએ રાખ્યો હતો. ખેડા, આણંદ, વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સિરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
નશીલી સિરપ બનાવવામાં રાજદિપ માહિર હતો. રાજદિપ યોગેશની ફેકટરીમાં 500 લીટરના ટાકાંમાં સિરપ બનાવવા માટે વિવિધ પદાર્થો સાથે ઇથેનોલ જેવુ કેમિકલ 50 લીટર નાંખીને નશીલી સિરપ તૈયાર કરતો હતો. આ સિરપ એકદમ નશાકારક બની જતી હતી. 500 લીટર સિરપમાંથી 1200થી 1300 બોટલ તૈયાર કરતા હતા. તેમજ મોકમપુરામાં આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવતા હતા.


