અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં રખડતા ઢોરનો ત્રાસ કેટલો જીવલેણ બની શકે છે, તેનો વધુ એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. ધોળકાના કોઠ-રૂપગઢ રોડ પર રેલવે ફાટક નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
બાઈક ચાલકનું આખલા સાથે અથડાતા મોત
મળતી માહિતી મુજબ, મૃતક વ્યક્તિની ઓળખ મંજુ કુશવા તરીકે થઈ છે. મંજુ કુશવા સીમેજ ગામના બસ સ્ટેન્ડ પાસે ભાજીપાંઉની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. રાત્રે પોતાની દુકાન બંધ કરીને તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા.રૂપગઢ-કોઠ રોડ પર રેલવે ફાટક નજીક તેઓ અચાનક રખડતા આખલા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક મંજુ કુશવાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
રૂપગઢ રોડ પર રેલવે ફાટક નજીક અકસ્માત
અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ગમખ્વાર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ધોળકા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ અને તેના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો અંગે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: વાઘોડિયામાં રખડતા કૂતરાનો આતંક યથાવત, યુવકને શ્વાનના હુમલાનો ભોગ બનવું પડ્યું


