- વિશ્વ કપના આયોજનથી હોટલ ઉદ્યોગ, ઉડ્ડયન ઉદ્યોગને મહત્તમ લાભ
- ક્રિકેટરસિયાઓના ટ્રાવેલિંગથી 300 કરોડથી 500 કરોડની આવક થયાનો અંદાજ
- વિશ્વ કપનું આયોજન ભારતના આર્થિક વિકાસને વેગ આપશે
વિશ્વ કપ 2023 તેના અંતિમ પડાવ સુધી પહોંચી ગયો. અમદાવાદમાં ફાઇનલ મુકાબલો સંપન્ન થતાં ક્રિકેટના આ મહાકુંભની સમાપ્તિ પણ થઇ ચૂકી. વિશ્વ કપનું આયોજન ભારતના આર્થિક વિકાસને વેગ આપશે. એક અંદાજ મુજબ વિશ્વ કપ-2023ના આયોજન થકી ભારતના જીડીપીને કુલ 22,000 કરોડનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. બેન્ક ઓફ બરોડાએ વિશ્વ કપના આયોજન પહેલાં જ એક અહેવાલ જારી કરીને જણાવ્યું હતું કે વિશ્વ કપનું આયોજન ભારતમાં થતાં દેશના વિમાન ઉડ્ડયન સેક્ટર, મીડિયા, હોટલ્સ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને ડિલિવરી સેક્ટર સહિતના અનેક સેક્ટરને ફાયદો થશે. વિશ્વ કપ મેચોની ટિકિટના વેચાણ થકી 1600થી 2200 કરોડ રૂપિયા તેમ જ સ્પોન્સર ઉપરાંત ટીવી અને ડિજિટલ રાઇટ્સ થકી રૂ.10,500 કરોડથી 12,000 કરોડ સુધીની આવક થવાની સંભાવના છે. આ ઉપરાંત ક્રિકેટ ટીમ્સ અને તેના સ્ટાફના મુસાફરી ખર્ચ થકી રૂપિયા 150થી 250 કરોડ, વિદેશી પર્યટકોના મુસાફરી ખર્ચ થકી 450થી 600 કરોડ રૂપિયા અને સ્થાનિક ટૂરિઝમથી 150 કરોડથી 250 કરોડ રૂપિયા ભારતીય અર્થતંત્રમાં પ્રવેશવાની સંભાવના ઊભી થઇ હતી. ક્રિકેટ મેચ જોવા વાહનોમાં એક સ્થાનેથી બીજા સ્થાને જતા ક્રિકેટરસિયાઓને કારણે પણ રૂપિયા 300 કરોડથી 500 કરોડની આવક થવાના અંદાજો મંડાયા હતા. ક્રિકેટરસિયાઓ મુસાફરી ઉપરાંત હોટલ અને ભોજન ખર્ચ પણ કરતા હોય છે.
ફૂડ એપ પર અપાતા ભોજનના ઓર્ડરની આવક
વિશ્વ કપ દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટ, વોલેન્ટિયર્સ અને સિક્યોરિટી ખર્ચનો પણ સમાવેશ થાય છે. તે ખર્ચ રૂપિયા 1000 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. સ્પોર્ટસ મર્ચેડાઇસના વેચાણ થકી પણ 100 થી 200 કરોડની આવક થવાની સંભાવના છે. રેસ્ટોરન્ટ અને કાફે ઉપરાંત મેચ જોઇ રહેલા ક્રિકેટ ફેન્સ દ્વારા ફૂડ એપ પર અપાતા ઓર્ડરની આવક પણ મોટા પ્રમાણમાં થતી હોય છે. તેને પગલે ભારતીય અર્થતંત્રમાં રૂ. 5000 કરોડની આવક થવાની સંભાવના છે.