- માતાનાં મૃત્યુના થોડા જ કલાકોમાં નાના ભાઈનું પરાક્રમ
- ભાણિયાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- પ્રદિપસિંહે મામા પ્રવેન્દ્ર માહુર અને તેની પત્નિ ભાવના માહુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ઘાટલોડિયામાં માતાના મૃત્યુના બીજા જ દિવસે બે ભાઇઓ વચ્ચે મિલ્કતને લઇને બોલાચાલી થઇ હતી. જેમાં નાના ભાઇએ મોટાભાઇ અને ભત્રીજાને મારવાના ઇરાદે રિવોલ્વરથી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતુ. ફલેટના રહીશોમાં ફાયરિંગને પગલે ફફડાટ વ્યાપ્યો હતો. આ અંગે ભાણીયાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મામા અને મામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. મહત્વનું છે કે, હત્યા કરવાના ઇરાદે ફાયરિંગ કરાયુ હોવા છતાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધીને પોલીસ છાવરી રહી હોવાનું સામે આવ્યુ છે.
ગોતા વિસ્તારમાં પ્રદિપસિંહ ઠાકુર પરિવાર સાથે રહે છે. ચાર દિવસ પહેલા તેના નાની શિવદેવીનું અવસાન થયુ હતુ. આથી પ્રદિપસિંહ તેનો પરિવારજનો ઘાટલોડિયામાં અમી એપાર્ટમેન્ટમાં નાનીના ઘરે ગયા હતા. નાનીની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બધા પોતપોતાના ઘરે ગયા હતા. અવસાનના બીજા જ દિવસે પ્રદિપ ફરીથી નાનીના ઘરે ગયો ત્યારે ત્યાં તેના મામા ગજેન્દ્રસિંહ અને તેમનો દિકરો સંસ્કાર, બીજા મામા પ્રવેન્દ્ર તેમજ અન્ય સંબંધીઓ ત્યાં હાજર હતા. આ તમામ સભ્યો મરણપ્રસંગની વિધી અંગે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેના મોટા મામા ગજેન્દ્રસિંહ અને નાના મામા પ્રવેન્દ્ર વચ્ચે શિવદેવીની મિલકતને લઇને બોલાચાલી થઇ હતી. આથી અન્ય સંબંધીઓ બન્ને ભાઇઓને શાંત પાડયા હતા. બાદમાં પ્રવેન્દ્ર ત્યાંથી નિકળી ગયો હતો. મોડી રાત્રે ફરીથી પ્રવેન્દ્ર અને તેની પત્ની ભાવના સાથે પરત આવીને ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવીને આજે ગજેન્દ્ર અને તેના દિકરા સંસ્કારને મારી નાંખીશ તેવી બૂમાબૂમ કરી રહ્યા હતા. આથી અન્ય સંબંધીઓ વધુ ઝઘડો ન થાય તે માટે ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં પ્રવેન્દ્ર ધાબા પર ગયો અને કૂદકો મારીને તેની માતાના ઘરની ગેલેરીમાં આવી ગયો હતો. બાદમાં બધા સંબંધીઓએ પ્રવેન્દ્રને કહ્યુ કે, ગજેન્દ્રસિંહ અને તેનો દિકરો અહીંયા નથી તે તેના ઘરે છે. આ સાંભળીને પ્રવેન્દ્રએ ઘરમાંથી રિવોલ્વર કાઢીને બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતુ. આ અંગે પ્રદિપસિંહે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મામા પ્રવેન્દ્ર માહુર અને તેની પત્નિ ભાવના માહુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


