- મુંબઈ મીરા રોડ મામલો :13 હુમલાખોરની ધરપકડ કરવામાં આવી
- પોલીસ બંદોબસ્ત સાથે હૈદર ચોક આસપાસના ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં
- મીરા રોડમાં રવિવારે રાત્રે જય શ્રીરામના ઝંડા લગાડેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલાં રવિવારે રાત્રે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં થયેલા વિવાદ બાદ ત્યાંના હૈદર ચોકમાંના ગેરકાયદે બાંધકામ-નિર્માણોની તોડફોડની કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવી દેવાયું છે. મીરા રોડમાં રવિવારે રાત્રે જય શ્રીરામના ઝંડા લગાડેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને સોમવારે સાંજે શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મીરા રોડની ઘટના સંબંધમાં ડીસીપી જયંત બજબલેએ કહ્યું કે 21 જાન્યુઆરીએ બનેલી ઘટના બાદ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટ તરફથી પાંચ દિવસની કસ્ટડી મળી છે. તેમણે કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આજે (મંગળવારે) બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે માટે સુરક્ષાનો સખત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે સાડા દશ વાગ્યે કાર અને મોટરસાઇકલો પર સવાર 10-12 લોકોનો એક સમૂહ નયા નગરથી શોભાયાત્રા યોજી રહ્યો હતો ત્યારે બે સમુદાયો વચ્ચે સંઘર્ષ થયો હતો. એક અધિકારીએ કહ્યું કે સૂત્રો પોકારતા કેટલાક લોકોએ કથિત રીતે ફટાકડા ફોડયા, ત્યાર બાદ સ્થાનિક લોકોનો એક સમૂહ લાકડીઓ લઈને બહાર આવ્યો. તેમની અને રેલીમાં સામેલ લોકો વચ્ચે વિવાદ થયો ત્યારે તેમણે રેલીનાં વાહનો પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે વાહનોમાં સવાર લોકોને માર મારવામાં આવ્યો હતો.
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાય
અધિકારીએ જણાવ્યું કે બનાવવાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંબંધી કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિક પોલીસ ઉપરાંત આરસીપીની એક ટુકડી પણ તહેનાત કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે નયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે હુમલાખોરો સામે હત્યાના પ્રયાસની કલમ દાખલ કરાઈ છે.


