ઘટના સમયે કુવાડવા પોલીસે કુદરતી મૃત્યુમાં ખપાવ્યો હતો બનાવ
શહેરના સંત કબીર રોડ પર રહેતા પરિવારનો સગીર પુત્ર નવાગામમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત 1 મેના રોજ આ સગીર પુત્રનું રહસ્યમય મોત નિપજ્યું હતું. પોલીસે પણ આ કેસ કુદરતી મોતનો કહી આટોપી દીધો હતો. પરંતુ માતા-પિતાને ઘટના પાછળ ગઈ અજુગતું બન્યાની શંકા હોય જેમતેમ કરી ફૂટેજ મેળવ્યા હતા તે જોતા સમગ્ર ઘટના હત્યાની હોવાનું બહાર આવ્યું હતું. જે બાબત હજુ સુધી પણ પોલીસ કમિશનર કે પછી કુવાડવા પોલીસને ધ્યાને બેસતી ન હતી. અરજી આપવા છતાં પણ કોઈ તપાસ શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે હવે આ સીસીટીવી ફૂટેજ જોતા પોલીસે નમતું જોખવું પડ્યું હતું અને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો શહેરના સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલ નગર પાંચમાં રહેતા કમલેશભાઈ માવજીભાઈ ગોરી નો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. ગત તારીખ 1 મે ના રોજ રાત્રિના 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે હર્ષિલ પડી ગયેલ હોય અને તેને બેભાં હાલતમાં હોસ્પિટલે લવાતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાદમાં હર્ષિલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમયે કુવાડવા રોડ પોલીસ મથકનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તેઓએ આ ઘટનાને હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી. એટલું જ નહીં પોસ્ટમોર્ટમ ખાતે હાજર સગીર હર્ષિલ ના મોટા બાપુ ને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેમાં ગોડાઉનમાં હર્ષિલ બેભાન પડ્યો હોય અને ત્રણથી ચાર લોકો તેને હવા નાખી રહ્યા હોય તેવું દ્રશ્યમાન થાતું હતું. પરંતુ આ ફૂટેજ ઘટના બાદના હતા ઘટના પહેલાના ફૂટેજ દબાવી દેવામાં આવ્યા હતા.
પુત્ર હર્ષિલને હાર્ટ અટેક આવે તે વાતને તેની માતા માનવા તૈયાર ન હતી. જેથી પતિ કમલેશભાઈને અવારનવાર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે કહેતી હતી. જેથી કમલેશભાઈ તેની પત્નીની વાત મનાવવા માટે ગોડાઉન ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા શિવજી પાસે ગયા હતા અને તેમને સીસીટીવી ફૂટેજનું કહેતા શિવજીએ ત્યાં હાજર માણસને સીસીટીવી ફૂટેજ આપવા કહ્યું હતું અને તેણે સીસીટીવી ફૂટે આપ્યા હતા અને તે જોતા માતા-પિતાના હોસ ઉડી ગયા હતા. તેમન પુત્ર હર્ષિલને બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું સામે આવ્યું હતું. આમ માતાની શંકા સાચી ઠરી હતી. આ ઉપરાંત હર્ષિલના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે પણ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે, હર્ષિલ નું મોત બ્રેઇન હેમરેજથી કાર્ડિયાક ફેલ્યોરથી મોત થયું છે. છતાં પણ પોલીસે ડોક્ટરના આ રિપોર્ટની અવગણના કરી આખા કાંડને છુપાવ્યું હતું. એટલું તો ઠીક છે ત્રણ જુલાઈના રોજ હર્ષિલના પિતા કમલેશભાઈએ કુવાડવા રોડ પોલીસ અને પોલીસ કમિશનર બંનેને લેખિતમાં અરજી આપી ઘટના હત્યાની હોવાનું જણાવ્યું છે અને આ હત્યા ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતા સુશીલ ઉર્ફે સુતલો આહીર અને તેની સાથે સંકળાયેલા અન્ય બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ કરી છે. પરંતુ પોલીસ કમિશનર કે કુવાડવા પોલીસ બંનેમાંથી કોઈએ આ અરજી પર ધ્યાન આપ્યું નહીં અંતે માતા પિતાએ મીડિયાનો સહારો લેતા સમગ્ર ઘટનાને ઉજાગર કરાતા પોલીસે તુરંત એક્શન લીધા હતા આ ઘટનામાં હર્ષિલ ઉપર મોબાઈલ નો છૂટો ઘા કરનાર સુશીલ ઉર્ફે સૂતલો આહીર સામે સાપરાધ મનુષ્યવધ અંગેનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમ માતા પિતાએ કહેલી વાત સાચી ઠરી હતી.
કુવાડવા પોલીસ સામે તપાસના આદેશ : ACP જાદવ
રાજકોટના સંત કબીર રોડ પર રહેતા કમલેશભાના નવાગામ રોડ પર આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉન માં કામ કરતા પુત્ર હર્ષિલની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવ્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. આ બારામાં એસીપી જાદવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ દોષિતો સામે સાપરાધ મનુષ્યવધ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં બેદરકારી દાખવનાર કુવાડવા પોલીસ મથકના પીઆઇ અને આ બનાવવાની તપાસ કરનાર પોલીસ સ્ટાફ સામે ઇન્કવાયરી બેસાડવામાં આવી છે જે તપાસમાં દોષિત જણાશે તે તમામ સામે કાયદાકીય કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું.