બિલ્ડિંગની સારસંભાળ કરતા બે નેપાળી પરિવારની માસુમ દિકરીઓના બેદરકારીઓને કારણે મોત
રાજકોટમાં અનેક બહુમાળી રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં આકર્ષણ માટે સ્વીમીંગ પુલની સુવિધા આપવામાં આવે છે. પરંતુ આજે યુનિવર્સિટી રોડ પર રૈયા ગામ પાસે આવેલા ખ્યાતનામ શિલ્પન ઓનેક્સ એપાર્ટમેન્ટમાં આવેલા સ્વીંમીગ પુલમાં ડુબી જતા મોત થયા છે. આ કરૂણ બનાવની સાથે સાથે શહેરમાં જેટલા સ્વીમીંગ પુલ હોય તેમાં બાળકો રમતરમતા ન પડી જાય તે માટે સેફટી ગ્રીલ ફરજીયાત કરવી પડે તેવી જરૂરીયાત ઉભી થઇ છે. તંત્ર આ બાબતે ન જાગે તો ભવિષ્યમાં આવા કરૂણ બનાવો બનવાની શક્યતા રહેશે.
આ અંગે મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં રૈયા ગામ પાસે આવેલ શિલ્પન ઓનેક્સ રેસિડેન્સીમાં રહેતાં અને ત્યાં જ ચોકીદારી કરતાં ગોકુલભાઈ રંગબહાદુર ચાંદની ત્રણ વર્ષની પુત્રી પ્રકૃતિ અને ત્યાં જ રહેતાં પ્રકાશભાઈ તેજબહાદુર સિંઘની ત્રણ વર્ષની પુત્રી મેનકા બંને પિતરાઈ બહેનો સાયકલ ચલાવતી ચલાવતી રેસિડેન્સીમાં આવેલ સ્વીમીંગ પુલ પાસે પહોંચી હતી.
બાદમાં બંને બહેનો સ્વીમીંગ પુલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મોડે સુધી બંને બાળકીઓ પોતપોતાના ઘરે ન પહોંચતા પરિવારજનો બંનેને શોધવા લાગ્યાં હતાં. બાદમાં રેસિડેન્સીમાં રહેતાં સ્થાનિક લોકોને ધ્યાને સ્વીમીંગ પુલમાં મૃતદેહ તરતાં હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક લોકો દોડી આવ્યાં હતાં અને બાળકીઓના મૃતદેહને બહાર કાઢી 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે બંને બાળકીઓને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુમાં મળેલ વિગત મુજબ, બંને મૃતક માસૂમ બાળકીઓનો પરીવાર મૂળ નેપાળનો વતની છે. મૃતક પ્રકૃતિના પિતા ગોકુલભાઈ પરીવાર સાથે શિલ્પન ઓનેક્સ રેસિડેન્સીમાં 17 દિવસથી કામે આવ્યાં હતા જ્યારે મૃતક મેનકાના પિતા પ્રકાશ અને માતા મનીષાબેન સહિતના પરિવારજનો 8 માસથી અહીં નોકરી પર આવેલ છે. મૃતક પ્રકૃતિ એક બહેન એક ભાઈમાં મોટી અને મેનકા પરિવારની એકની એક પુત્રી હતી. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


