- 15 નવેમ્બરે બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાશે
- મામલતદાર-પીએસઆઇએ કામગીરી અટકાવતા મામલો ગુંચવાયો
- વહીવટીતંત્ર અને આદિવાસી સમાજના આગેવાનો આમને-સામને આવી ગયા
નેત્રંગ ચારરસ્તા ઉપર આગામી 15 નવેમ્બર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવનાર છે. આદિવાસી સમાજનો કાયૅક્રમ હોવાથી ભરૂચ સાંસદ, ઝઘડીયા ધારાસભ્ય અને તમામ આદિવાસી સમાજના આગેવાનો કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી.
ગતરોજ નેત્રંગ ચારરસ્તા ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવનાર છે તે સ્થળ ઉપર રાત્રીના સમયે આગેવાનોએ કામગીરી કરતાં નેત્રંગ મામલતદાર-પીએસઆઇ સ્થળ ઉપર આવી કામગીરી બંધ કરવાની સુચના આપતા મામલો ગરમાયો હતો.વહીવટીતંત્ર અને આદિવાસી સમાજના આગેવાનો આમને-સામને આવી ગયા હતા. ત્યારબાદ નેત્રંગ તાલુકા સેવાસદન ખાતે નેત્રંગ મામલતદાર-પીએસઆઇ અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી અને નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાનો વચ્ચે બેઠકમાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. નેત્રંગ તાલુકાના વહીવટીતંત્રના તમામ અધિકારીઓએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે સંવાદ કરીને આખરી નિર્ણય લેવામાં આવેશે તેવી જણાવી લુલો બચાવ કર્યો હતો. નેત્રંગ ચારરસ્તા ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાં સ્થાપના બાબતે વિવાદનો મધપુડો હાલ છંછેડાયો છે. પરંતુ 15 નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના થશે કે નહીં તે જોવું રસપ્રદ રહ્યું છે. નેત્રંગ ચારરસ્તા ઉપર 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાશે. જે જવાબદાર અધિકારી-પદાધિકારીઓ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપનાની કામગીરી કરતાં અટકાવશે તેજ દિવસે તેમના જ ઘરે પ્રતિમાની સ્થાપના કરવા માટે જઇશું. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના નેત્રંગ ચાર રસ્તા ઉપર જ થશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.
વિવિધ વિસ્તારમાં પ્રતિમાની સ્થાપના થઇ ચુકી છે
અંકલેશ્વર,વાલીયા,ડેડીયાપાડા,રાજપીપળા,માંગરોલ,વાંસદા,નિઝર, આહવા-ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના થઇ ચુકી છે.નેત્રંગ ચારરસ્તા ઉપર જ્યારે બિરસા મુંડાની પ્રતિમાની સ્કથાપના કરવામાં આવનાર છે. ત્યારે કેમ તેની કામગીરીને અટકાવવામાં આવી રહી છે તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.


