- ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેને AAP પાર્ટી પર કટાક્ષ કર્યો
- કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્મિમેર હોસ્પિટલ આવે છે
- આ પ્રકારની વાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને આવ્યા છે. જે પછી બંને વચ્ચે વિવાદ સામે આવી રહ્યો છે. શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કરતા હોબાળો થયો છે. જેમાં શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
એટલું જ નહીં ચર્ચા દરમિયાન ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચૌમાલે કહ્યું હતું કે, વિપક્ષના કેટલાંક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્મિમેર હોસ્પિટલની મુલાકાતે જાય છે. તો વિપક્ષ બજેટને વેફરના પેકેટ સમાન ગણાવી રહ્યાં છે. મોટા પેકેટમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યાં છે. આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી. બંને પક્ષ વચ્ચે શાબ્દિક વાતાવરણ ગરમ થઈ ગયું હતું. સિક્યોરિટીએ દોડી આવવું પડ્યું હતું.
આપના નેતાએ થપ્પડ મારવાની માગ કરી
જ્યારે બીજી તરફ વિપક્ષી મહિલા સભ્યની ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરાઈ હતી. જેમાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોરેટરને થપ્પડ મારવાની માગ કરવામાં આવી છે. સામાન્ય સભામાં કોર્પોરેટરને થપ્પડ મારવાની માગ થઈ છે. આ અંગે પાલિકા કમિશનર સામે રજૂઆત કરવામાં આવી છે. ભાજપી સભ્યને તમાચો મારવાની મેયર સમક્ષ મંજૂરી માગી છે. જેના સાથે જ કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણા સામે ફરિયાદ થઈ છે.
આપ અને ભાજપ સામ સામે
જ્યારે શાસક પક્ષના એક કોર્પોરેટરે વિપક્ષ પર એવો કટાક્ષ કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાંખવામાં આવ્યો છે, હવે તેમને જડમૂળમાંથી કાઢવાની જરૂર છે. આ પ્રકારનું નિવેદન થતાં જ બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. આપના સભ્યો ભડક્યા હતા. મામલો ખૂબ વણસ્યો હતો.
આ દરમિયાન ભાજપ શાસકોના ઈશારે સદનમાંથી વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેના પગલે વિપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. આ પ્રકારનું નિવેદન થતાની સાથે જ બંને વચ્ચે હોબાળો મચી ગયો હતો. જેમાં વાતાવરણ એટલી હદે ગરમાયું હતું કે, સિક્યોરિટી ગાર્ડ પણ દોડીને આવી ગયા હતા.


