અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમની ધરતી પર કોઈ ભારતીય મિસાઈલ પડી નથી. અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારિઝ્મીએ એક નિવેદન જારી કરીને પાકિસ્તાનના દાવાને ખોટો ગણાવ્યો છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારતની મિસાઇલ અફઘાનિસ્તાનમાં પડી ગઈ છે. ભારત પહેલાથી જ પાકિસ્તાનના આ દાવાને સંપૂર્ણપણે નકારી ચૂક્યું છે. હવે અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાને પણ પાકિસ્તાનને જૂઠ્ઠુ જાહેર કર્યું છે.
તાલિબાન શાસને કહ્યું છે કે પાકિસ્તાનનો દાવો પાયાવિહોણો છે. કોઈ પણ ભારતીય મિસાઈલ અફઘાનિસ્તાનની ધરતી પર અથડાઈ નથી. અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારીઝ્મીએ હુર્રિયત રેડિયોને જણાવ્યું હતું કે, ‘અફઘાન પ્રદેશ પર ભારતના મિસાઇલ હુમલા અંગે પાકિસ્તાનના દાવાને અમે સખત રીતે નકારી કાઢીએ છીએ.’ આવા દાવાઓમાં કોઈ સત્ય નથી.
પાકિસ્તાનનો દાવો શું છે?
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે ભારતે સમગ્ર ક્ષેત્રને અસ્થિર કરવાના ઉદ્દેશ્યથી અફઘાનિસ્તાનમાં મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. પાકિસ્તાની વાયુસેનાએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે ભારતીય મિસાઇલ અફઘાનિસ્તાનમાં પડી હોવાના પુરાવા છે.પાકિસ્તાનના ટોચના રાજકારણીઓ, એજન્સીઓ અને મંત્રીઓએ પણ આ અફવા ફેલાવી છે.
પાકિસ્તાનના આ દાવા બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે અફઘાન લોકો સારી રીતે જાણે છે કે તેમના વાસ્તવિક દુશ્મન કોણ છે.ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે ખોટો અને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે
પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી રહ્યા. તે જ સમયે, ભારત સાથે તાલિબાનના સંબંધોમાં સુધારો થયો છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને ડર છે કે અફઘાનિસ્તાન સરહદ પર તેની સામે બીજો મોરચો ખુલી શકે છે.આનાથી બચવા માટે, પાકિસ્તાન અફવાઓ ફેલાવીને અફઘાનિસ્તાનમાં ભારત વિરોધી વાતાવરણ બનાવવા માંગે છે, પરંતુ તાલિબાન સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે.


