- ટીમ્બરના વેપારીના 19 વર્ષીય પુત્રનું સોમવારે અપહરણ કરી 1.25 કરોડની ખંડણી માંગેલી
- આદિપુરમાંથી અપહ્યત યશની જમીનમાં પાંચ ફૂટ નીચે દાટી દીધેલી લાશ મળી
- મૃતદેહને વિશેષ પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો
અંજાર તાલુકાના મેઘપર(બો)માં ટીમ્બરના વેપારીના 19 વર્ષીય પુત્રનું સોમવારે અપહરણ બાદ 1.25 કરોડની ખંડણી મંગાઈ હતી, જે મામલે પોલીસની દસ ટી દ્વારા તપાસ દરમિયાન આદિપુરમાં બાવળની ઝાડીઓમાંથી યુવાનનો જમીનમાં દાટી દેવાયેલો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. તો બીજીતરફે, પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવાની સાથે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મુળ ઉત્તરપ્રદેશ અને હાલે મેઘપર (બો)ની મંગલમ્ સોસાયટીમાં રહેતા ટિમ્બરના વેપારી સંજીવકુમાર તોમરના કોલેજમાં અભ્યાસ કરતો 19 વર્ષીય પુત્ર યશ ગત સોમવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થયો હતો. આ દરમિયાનમાં રાત્રે તેની માતાને અજાણ્યા શખસે ફોન કરીને યશના બદલામાં તા.11ના મુંબઈમાં રૂ.1.25 કરોડની ખંડણી મોકલવા ધમકી આપી હતી. પૂર્વ કચ્છ એસપીએ અલગ અલગ 10 ટીમ બનાવી યશ અને અપહરણકર્તાઓની શોધખોળ શરૂ કરી હતી. પાંચ દિવસની તપાસ બાદ અંતે અપહ્યત યુવાને છેલ્લો કરેલો ફસ ગયાનો મેસેજને ટ્રેસ કરીને આદિપુરના પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલી બાવળની ગીચ ઝાડી ફેંદવાનું શરૂ કરતાં 48 કલાકની જહેમત પછી અપહ્યત યુવાન યશની શુક્રવારે જમીનમાં દટાયેલી લાશ મળી હતી.
યશે છેલ્લે શેર ચેટમાં ઝાડીઓની ક્લિપ સાથે ‘ફસ ગયા’નો મેસેજ પોસ્ટ કર્યો હતો
યશનું અપહરણ થયા પછીની ગણતરીની કલાકોમાં યશ દ્વારા બાવળની ઝાડીઓવાળી વીડિયો કિલપ શેર કરી ફસ ગયાનો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ અંગે પોલીસે મેસેજ અને વીડિયો કિલપને ટ્રેસ કરી આદિપુરના પંચમુખી હનુમાન મંદિર પાછળની બાવળની ઝાડીઓમાં ગુરુવારથી શોધખોળ હાથ ધરતાં શુક્રવારે લાશ મળી હતી. પોલીસે આજે સવારે જેસીબીની મદદથી દરેક કામગીરીની વીડિયોગ્રાફી કરીને લાશને બહાર કઢાવી હતી. યશના મૃતદેહને વિશેષ પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો.
અપહરણ, ખંડણીની માગ બાદ હત્યામાં એક કરતાં વધુ લોકો સામેલ હોવાની શંકા
મેઘપર (બો)ના યશ સંજીવકુમાર તોમર નામના 19 વર્ષના યુવાનને તેમના જ એક્ટિવામાં અપહરણ કર્યા પછી ખંડણીની માગણી કરાયા પછી યશની હત્યા કરી જમીનમાં દાટી દેવામાં આવ્યાની ઘટનાના પગલે તપાસનીશ અધિકારીઓને યશની હત્યા એકલા હાથે કરવામાં નહીં આવી હોવાની અને હત્યાકાંડમાં અન્ય શખસો પણ સામેલ હોવાની શંકાના આધારે પોલીસે હત્યારાઓ કચ્છ છોડીને નાસી ન જાય તે માટે પોલીસની ટીમો દ્વારા હત્યારાને પકડી પાડવા સ્થાનિક કક્ષાએ તપાસનો દોર આંરભ્યો હતો.


