- રત્નકલાકારો ગજેરા સર્કલ પાસે ગ્રાઉન્ડમાં થયા ભેગા
- કિરણ જેમ્સના રત્નકલાકારોને છૂટા કર્યાનો આરોપ
- મંદીના કારણે રત્નકલાકરો છૂટા કરાયા હોવાની ચર્ચા
સુરતની નામાંકિત કિરણ ડાયમંડ કંપની સામે આરોપ લાગી રહ્યા છે. જેમાં કંપની દ્વારા 70 રત્નકલાકારોને છુટા કર્યાનો આરોપ લાગી રહ્યો છે. જ્યાં એક બાજુ યુક્રેન-રશિયા અને ઇઝરાયલ-પેલેસ્ટાઈનને કારણે સુરતનો ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં ત્યારે હવે સુરતમાં રત્નકલાકારોને છૂટા કરવાના સમાચાર સામે આવ્યા છે. સુરતની જાણીતી કિરણ ડાયમંડ કંપનીએ 70 કર્મચારીઓને છૂટા કરતા વિવાદ થયો છે.
આ અંગેની માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. એવામાં હવે કિરણ ડાયમંડ કંપનીએ એકસાથે 70 રત્નકલાકારોને છૂટા કરી નાંખ્યા છે. રત્ન કલાકારોએ આરોપ લગાવ્યો કે, કિરણ જેમ્સના ગિરીશ પરસાડા અને વરુણ લખાણીએ કોઈપણ કારણ વગર આ નિર્ણય કર્યો છે.
મંદીનાં કારણે રત્નકલાકરો છૂટા કરાયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. વૈશ્વિક મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા સુરતના રત્નકલાકારોએ આર્થિક પેકેજની માંગ કરી હતી.
બીજી તરફ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. તેમજ સુરતમાં પોલિશ્ડ થતાં રફમાં 30 ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે.


