- ન્યૂઝીલેન્ડને મોટા માર્જિનથી વિજય હાંસલ કરવો પડશે
- ન્યૂઝીલેન્ડની અંતિમ લીગ મેચમાં વરસાદનું જોખમ પણ તોળાયું છે
- પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પણ આઠ પોઇન્ટ
શરૂઆતમાં શાનદાર પ્રદર્શન બાદ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું અભિયાન પાટા ઉપરથી ઊતરી ગયું છે અને હવે શ્રીલંકા સામે ગુરુવારે રમાનારી કરો યા મરોવાળી મેચમાં તેણે કોઈ પણ ભોગે રિધમ હાંસલ કરીને વિજય મેળવવો જ પડે તેમ છે. ન્યૂઝીલેન્ડની અંતિમ લીગ મેચમાં વરસાદનું જોખમ પણ તોળાયું છે. ન્યૂઝીલેન્ડના આઠ પોઇન્ટ છે અને તેને ખબર છે કે પરાજય અથવા વરસાદના કારણે મેચ રદ થાય તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પણ આઠ પોઇન્ટ છે. પાકિસ્તાનનો રનરેટ પ્લસ 0.036નો છે અને અફઘાનિસ્તાનનો માઇનસ 0.338 છે. આ બંનેની પણ સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના છે પરંતુ પાકિસ્તાને અંતિમ લીગમાં ઇંગ્લેન્ડને અથવા અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકાને હરાવી દે તેવા પણ સમીકરણ છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડને મોટા માર્જિનથી વિજય હાંસલ કરવો પડશે જેનો રનરેટ પ્લસ 0.398નો છે. બેંગ્લોરમાં પાકિસ્તાન સામે કિવિ ટીમે 400 રન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાની બેટ્સમેન ફખર ઝમાન સામે તેના બોલર્સ સામાન્ય પુરવાર થયા હતા. ટિમ સાઉથી જેવા બોલર્સ પાસે પણ પ્લાન-બી તૈયાર નહોતો. સ્પિનર મિચેલ સાન્તેનરે એકલાએ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટ ટાઇમ સ્પિનર ગ્લેન ફિલિપ્સ ઉપર મદાર રાખવાની બાબત સપાટી ઉપર આવી ગઈ છે. શ્રીલંકા સામેની મેચમાં કિવિ ટીમે આ રણનીતિને વધારે ચુસ્ત બનાવવી પડશે.
કિવિ ટીમને તેના સ્ટાર ખેલાડીઓની ઈજા પણ પરેશાન કરી રહી છે. વિલિયમ્સનને અંગૂઠામાં હોવા છતાં તે બે મેચમાં રમ્યો હતો અને બંનેમાં તેણે અડધી સદી ફટકારી હતી. રચિન રવીન્દ્ર ફોર્મમાં છે અને તે શ્રીલંકા સામે વધુ એક મોટી ઇનિંગ રમે તેવી સંભાવના છે. બીજી તરફ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયેલી શ્રીલંકન ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટમાંથી વિદાય લેવાનો પ્રયાસ કરશે. શ્રીલંકન ટીમને પણ વર્લ્ડ કપમાં સતત ઈજાઓની સમસ્યાનો સામનો કરવો પડયો હતો.


