– લણણી દરમિયાન કમોસમી વરસાદથી પાકને નુકસાન
Updated: Oct 20th, 2023
મુંબઈ : વર્તમાન વર્ષના જૂનમાં સમાપ્ત થયેલા ૨૦૨૨-૨૩ના ક્રોપ યરમાં દેશમાં ઘઉં ઉત્પાદનના આંકને સરકારે ૨૧.૯૦ લાખ ટન ઘટાડી ૧૧.૦૫ કરોડ ટન મૂકયો છે. કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ૨૦૨૧-૨૨ના ક્રોપ યરમાં ઘઉં ઉત્પાદન ૧૦.૭૭ કરોડ ટન રહ્યું હતું. ઉત્પાદનમાં ઘટાડા તથા ઊંચા આયાત ટેકસને પરિણામે દેશમાં હાલમાં ઘઉંના ભાવ આઠ મહિનાની ટોચે બોલાઈ રહ્યા છે. અંતિમ અંદાજ ઘટીને આવતા ઘઉંના ભાવમાં આગળ જતા વધુ વધારો નકારી શકાય એમ નથી.
લણણીના વિવિધ તબક્કા દરમિયાન કૃષિ મંત્રાલયે ત્રણ વખત ઉત્પાદન અંદાજ જાહેર કરીને પછી અંતિમ આંક મૂકે છે.
૨૦૨૨-૨૩ના જુલાઈથી જૂનના ક્રોપ યરમાં ઘઉં ઉત્પાદનનો અંતિમ અંદાજ ૧૧.૦૫ કરોડ ટન આવી પડયો છે. ત્રીજા અંદાજમાં ઉત્પાદન આંક ૧૧.૨૭ કરોડ ટન મુકાયો હતો.
લણણીની કામગીરી દરમિયાન કમોસમી વરસાદ પડતા પાકને નુકસાન થયું હતું, જેને કારણે ઉત્પાદન અંદાજમાં ઘટાડો કરવાની ફરજ પડી છે, એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
ચોખાનું ઉત્પાદન ૧૩.૫૭ કરોડ ટન રહેવા ધારણાં મૂકવામાં આવી છે. જે ૨૦૨૧-૨૨ના ક્રોપ યરમાં ૧૨.૯૪ કરોડ ટન રહ્યું હતું. કઠોળના ઉત્પાદનમાં પણ ઘટ જોવા મળી રહી છે. ૨૦૨૧-૨૨ની મોસમમાં ૨.૭૩ કરોડ ટન સામે ૨૦૨૨-૨૩માં દેશમાં કઠોળનું ઉત્પાદન ઘટી ૨.૬૦ કરોડ ટન રહેવા ધારણાં મૂકવામાં આવી છે.
જો કે ૨૦૨૧-૨૨ના ક્રોપ યરમાં ૩૧.૫૬ કરોડ ટન સામે ૨૦૨૨-૨૩ના પાક યરમાં દેશમાં અનાજનું કુલ ઉત્પાદન વધી ૩૨.૯૬ કરોડ ટન રહેવા ધારણાં મૂકવામાં આવી છે. તેલીબિયાંનું ઉત્પાદન પણ ૩.૭૯ કરોડ ટનથી વધી ૪.૧૩ કરોડ ટન મુકાયું છે.