પંચોએ સમર્થન નહી આપવા છતાં કોર્ટે આ બાબતને ગૌણ ગણી આપ્યો ચૂકાદો
રાજકોટ જિલ્લાના સત્તાપર ગામે ખેડૂત ખાતેદારે પોતાની જમીનમાં વાવેલા 3૪ કિલો ગાંજાના વાવેતર કેસમાં અદાલતે પંચોનું સમર્થન નહી મળ્યું હોવા છતાં ગૌણ માની ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગત મુજબ તા.૨૩-૧૨-૨૦૧૬ના જિલ્લાની એસ.ઓ.જી.પોલીસે રેડ પાડતા શાકભાજીના વાવેતર વચ્ચે એક મોટા ટૂકડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. છોડમાંથી તીવ્ર વાસ આવતી હોય સ્થળ ઉપર એફ.એસ.એલ.અધિકારીને બોલાવીને પરીક્ષણ કરાયું હતું અને વજન કરતા ૩૪ કિલો વજનુ થયું હતું.
આ કેસ ચાલ્યો ત્યારે આરોપી પક્ષે એવો બચાવ કરાયો કે આ પદાર્થ સાથે માટી અને મૂળિયાનો પણ સમાવેશ થાય છે તેથી વજન ૩૪ કિલો ગણાય નહીં જે સામે સરકારપક્ષે એવી દલીલ થઈ હતી કે નાર્કોટિક્સ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે માદક પદાર્થમાં જપ્ત થયેલ જથ્થામાં મૂળિયા,માટી કે કોઈ સોલ્યુશન અલગ કરી શકાય તેમ ન હોય તો તેને માદક પદાર્થ જ ગણવાનો રહે છે.
આ ઉપરાંત રેઈડ દરમિયાન હાજર પંચોએ કેસને સમર્થન આપ્યું નથી તે દલીલ થઈ હતી જે બાબતને એટલા માટે ગૌણ ગણવામાંઆવી કે એફ.એસ.એલ. અધિકારીએ જયારે સ્થળ પર પરીક્ષણ કર્યું હોય ત્યારે તે સ્થળ પર આવેલા ન્હોતા કે પરીક્ષણ કર્યું છે તે ખોટુ છે તે સાબિત કરવાની જવાબદારી આરોપી પક્ષે હોય છે અને આરોપી પક્ષ તે સાબિત કરી શકેલ નથી. જે અન્વયે આરોપીને ગુનેગાર ઠરાવીને સજા ફટકારાઈ હતી.


