ધ્વજદંડને નુકશાન થતુ હોવાથી ટ્રસ્ટનો નિર્ણય : નવા વર્ષથી મંજૂરી નહી મળે
બનાસકાંઠા જિલ્લામાં આવેલા 51 શક્તિપીઠોમાંના એક એવા વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભક્તોની સલામતી અને મંદિરના માળખાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને જાહેર કર્યું છે કે 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધ્વજા ચઢાવવાની મંજૂરી આપવામાં નહીં આવે.
આ નિર્ણય મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ લેવામાં આવ્યો છે. તાજેતરમાં કરાયેલા ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે મંદિરના મુખ્ય શિખર પર આવેલો ધ્વજદંડ આશરે 15 વર્ષ જૂનો છે. દૈનિક 50થી 60 જેટલી ધજાઓ ચઢાવવામાં આવતી હોવાથી અને પવનના ભારે દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની સંભાવના છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સર્વેમાં વધુમાં સામે આવ્યું છે કે ખૂબ લાંબી ધજાઓ પવનમાં લહેરાતી વખતે મંદિરના સુવર્ણમય શિખરના કવચ સાથે ઘસાય છે, જેના કારણે સોનાના કવચને ઘસારો થતો હોવાનું નોંધાયુ છે. કેટલાક ભક્તો 50 ગજ કે તેથી વધુ લાંબી ધજાઓ લાવતા હોય છે, જે જમીનને અડતી હોવાથી ચાલતા યાત્રિકોના પગમાં આવી જાય છે અને અકસ્માતનો ભય ઉભો થાય છે. આ સાથે અન્ય ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે.


