- અમદાવાદમાં લઘુતમ તાપમાન 20.01 ડિગ્રી
- બેવડી ઋતુને લઈને સવારે ઠંડી અને બપોરે ગરમી
- આ અઠવાડિયામાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના
ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં ઉત્તર-પશ્ચિમી પવનનોની ગતિમાં વધારો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અનેક સ્થળે પવન 10 થી 12 કિમીની ઝડપે ફૂંકાયો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 20.01 ડિગ્રી, ગાંધીનગર 19 ડિગ્રી નોંધાયું છે.
રાજકોટ 19 ડિગ્રી, સુરત 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ
ઉલ્લેખનીય છે કે કચ્છ 13 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે. જેમાં બનાસકાંઠા અને ડીસામાં 15 ડિગ્રી, વડોદરા 18 ડિગ્રી, રાજકોટ 19 ડિગ્રી, સુરત 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
રાજ્યમાં લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી ઘટાડો થયો છે. શિયાળાના ઉતરાર્ધમાં હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર,લડ્ડાખ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી હતી. ઉત્તર ભારતમાં કાશ્મીરથી લઇને હિમાચલપ્રદેશ સુધી બરફની મૌસમને માણવા પ્રવાસીઓમાં ધસારો જોવા મળી રહયો છે.
બેવડી ઋતુને લઈને સવારે ઠંડી અને બપોરે ગરમીનો એહસાસ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બેવડી ઋતુને લઈને સવારે ઠંડી અને બપોરે ગરમીનો એહસાસ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયામાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આણંદ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.


